શહેરના એકંદરે તમામ રસ્તાઓ પર કમરતોડ ખાડાઓથી વાહન ચાલકો પરેશાન
ભરૂચ.
ભરૂચ શહેરમાં વાહન ચાલકો કમર તોડ ખાડાઓથી પરેશાન થઈ ગયાં છે. વહિવટી તંત્ર દ્વારા તાકીદે એક્શન પ્લાન બનાવી રોડ રસ્તાનું કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભરૂચ શહેરમાં હાલમાં વરસેલાં વરસાદમાં લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડયો હતો એક તરફ વરસાદી પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી હતી. ત્યારે પાણી ભરાવાને કારણે અને વાહનોની લાંબી કતારો લાગવાને કારણે રોડ પર ખાડાઓ પડી ગયાં હતાં. જોકે, પાણીમાં ખાડા નહીં દેખાવાને કારણે વાહનો ખાડામાં પટકાતાં વાહન ચાલકો તેમજ અન્ય લોકોને કમરના મણકામાં દુ:ખાવો થાય તેવી સ્થિતી ઉદભવી હતી. હાલમાં વરસાદી વિરામ લેતાં શહેરના રસ્તાઓ પરથી પાણી ઓસરતાં રસ્તાઓ પર પડેલાં ખાડાઓ સામે આવી ગયાં છે. કેટલાંક વિસ્તારોમાં રસ્તો માત્ર નામનો રહી ગયો છે. આખે આખો રસ્તો ખાડાઓથી ભરેલો જોવા મળ્યો હતો. શહેરના શ્રવણચોકડીથી એબીસી ચોકડી વચ્ચેનો રોડ તેમજ રેલવે ગોદી સહિતના રોડ પર એટલી હદે ખાડા પડી ગયાં હતાં કે વાહનો માંડ ૧૦-૨૦ ની ઝડપે ચાલી રહ્યાં હતાં. ત્યારે હવે વહિવટી તંત્રએ તુરંત એક્શનમાં આવી શહેરના તમામ રસ્તાઓ પર મરામત કામ હાથ પરી તમામ ખાડાઓનું પુરાણ કરવા સાથે સારો રસ્તો બનાવવામાં આવે તેવી માગ ઉઠી હતી.
એકસપ્રેસ વે પર પુનગામ ડાયવર્ઝન બંધ કરતાં ભરૂચમાં ટ્રાફિક વધ્યો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરથી પસાર થતાં વાહનો પૈકીના સુરત તરફ જતાં વાહનો ભરૂચમાં દહેગામ ખાતેથી ઉતરી શહેરમાં થઈ ઝાડેશ્વર ચોકડી થઈ સુરત તરફ જતાં હોય છે. ત્યારે ત્રણેક દિવસ પહેલાં લોકોએ અંકલેશ્વરના પુનઃગામ પાસેના ડાયવર્ઝનનો ઉપયોગ શરૂ કરી દેતાં ભરૂચ શહેરનો ટ્રાફિક ઘણોખરો ઘટી ગયો હતો. જોકે, તંત્ર દ્વારા તેને બંધ કરી દેવાતાં હવે પુનઃ ભરૂચ શહેરના રસ્તાઓ પર સાંજના સમયે ભારે ટ્રાફિક થઈ રહ્યો છે.
