ભરૂચ.
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ સતનારાયણની ચાલમાં ગતરોજ સવારે અચાનક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક વૃદ્ધા ઈજાગ્રસ્ત બન્યા હતા. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી જઈ મદદરૂપ થઈ વૃદ્ધાને બહાર કાઢ્યા હતા. બાદમાં 108 ઈમરજન્સી સેવાના માધ્યમથી તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ મકાન લાંબા સમયથી અતિ જર્જરિત હાલતમાં હતું. ભરૂચ પાલિકાએ આ મકાન અંગે છેલ્લા કેટલાંક વર્ષોથી નોટિસો આપી હતી. તેમ છતાં મકાન માલિકે જરૂરી મરામત કે મકાનને ઉતારી લેવા અંગે કોઈ કાર્યવાહી કરી નહોતી. જેના પરિણામે આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
સદનસીબે આ દુર્ઘટનામાં મોટું જાનહાનિ થયું નથી. પરંતુ આ બનાવ પછી ફરી એકવાર શહેરના જર્જરિત મકાનો મુદ્દે ચર્ચા ગરમાઈ છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે શહેરના જુના વિસ્તારોમાં આવા અનેક મકાનો હાલ પણ ઉભા છે, જે ક્યારેપણ ધરાશાયી થઈ શકે છે. લોકોમાં ભયનો માહોલ છે કે જો પાલિકા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં મોટો અકસ્માત બની શકે છે.
નગરજનોમાં આવાજ ઉઠી રહ્યો છે કે પાલિકાએ માત્ર નોટિસ આપવાને બદલે જોખમી મકાનોની તાત્કાલિક ઓળખ કરી એને તોડી પાડવા પગલાં લેવા જોઈએ, જેથી નિર્દોષ નાગરિકોના જીવ સાથે કોઈ દુર્ઘટના ન બને.
