રાજ્યભરમાં આ પ્રકારના કિસ્સાનો પહેલીવાર ઘટસ્ફોટ
ભરૂચ
ભરૂચના પાંચબત્તી પાસે આવેલી એસબીઆઈ બેન્કના એટીએમમાંથી કોઈ રીતે ગઠિયાઓ ૨ લાખથી વધુની રકમ ઉઠાવી ગયાં હતા. જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના ગણતરીના સમયમાં જ પોલીસે ઠગાઈમાં માહિર એવી મેવાતી ટોળકીના એક સાગરીતને દબોચી લીધો છે. પ્રાથમિક તપાસમાં ટોળકીએ આખા રાજ્યમાં કુલ ૨૪ સ્થળે આ જ રીતે એટીએમ સાથે ચેડા કરી એક કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મુખ્ય સુત્રધારને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર અક્ષય વૈધરાજ સોનીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના એટીએમમાં મુકેલાં કેશ ડિપોઝીટ મશીન( CDM) માં ૨.૦૯ લાખ રૂપિયા ઓછા જણાયાં હતાં. જેથી તેમણે તેમના મશીનનું સ્ટેટમેન્ટ કાઢી તેમાં ચકાસણી કરતાં ૧૦મી સપ્ટેમ્બરથી ૧૮મી સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ તારીખ અને સમયે ૨૨ ટ્રાન્ઝેક્શન સસ્પેકટેડ રિવર્સલની એન્ટી જણાઈ હતી. જેમાં ગણતરી કરતાં તેમાં કુલ ૨.૦૯ રૂપિયાનો જ આંકડો આવ્યો હતો. એટીએમના સીસીટીવી ફૂટેજ તપાસતાં અજાણ્યા શખ્સોએ એટીએમ સાથે છેડછાડ કરી એટીએમમાંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડયું હતું. ઘટનાને પગલે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જે તે સમયે બેન્કમાં રૂપિયા ઉપાડી ગયેલાં બે ગઠિયાઓ જે બાઈક પર આવ્યા હતાં. તેના નંબરના આધારે આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરાઈ હતી. સીસીટીવી ફૂટેજ અને વિશ્વાસ પ્રોજેક્ટના માધ્યમથી આરોપીઓની મુવમેન્ટનો વિગતો મેળવી હતી. દરમિયાનમાં એટીએમ ઠગાઈ કરનાર તેની બાઈક પર હોસ્ટેલ ગ્રાઉન્ડ તરફ થી જવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડયો હતો. તેનું નામ સાજીદખાન હબીબખાન ખાન ( હાલ રહે. શિવશક્તિ સોસાયટી, દહેજ, મુળ રહે. લક્ષ્મણગઢ, જી. અલવર, રાજસ્થાન) હોવાનું માલુમ પડયું હતું. તેની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, અલવરના એક મિત્ર થકી સંપર્કમાં આવેલો આસિફ અલી (રહે. માલાખેડા, અલવર, રાજસ્થાન) નાએ તેને સાથે રાખી એટીએમનો પાવર સપ્લાય બંધ કરી રૂપિયા કાઢી લેવાનો કારસો રચતો હતો. ટીમે રાજ્યભરમાં તપાસ કરાવતાં છેલ્લાં દશેક દિવસમાં રાજ્યભરમાં ૨૪ મશીનમાંથી કુલ ૧ કરોડથી વધુની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડયું હતું.
એસબીઆઈના OKI કંપનીના કેશ ડિપોઝીટ મશીનને જ ટાર્ગેટ કરતાં 1.ભરૂચ । એસબીઆઈના કેશ ડિપોઝીટ મશીનો પૈકીના OKI કંપનીના મશીનમાં એક ખામી હોવાનું ગઠિયાઓના ધ્યાનમાં આવ્યું હતું. કેશ ડિપોઝીટ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વેળાં જયારે રૂપિયાની ટ્રે ખુલે ત્યાર તેનો પાવર ઓફ કરવાથી બેન્કમાં રૂપિયા ઉપડયાના ડેટા સેવ થતાં ન હતાં. તેમજ જે તે કાર્ડ ધારકના ખાતામાંથી પણ રૂપિયા કપાતાં ન હતાં. જેથી તેઓ આજ કેશ ડિપોઝીટ મશીનને ટાર્ગેટ કરતાં હતાં.
દહેજમાં CDM ન મળતાં ભરૂચમાં આવી ખેલ પાર પાડયો । ભરૂચ । સાજીદખાન છેલ્લા એક વર્ષથી દહેજ ખાતે રહી કંપનીમાં નોકરી કરતો હતો. તેના કોઈ મિત્ર થકી આસીફ અલી તેના સંપર્કમાં આવ્યો હતો. તે દહેજ આવ્યા બાદ તેણે સાજીદને આખો પ્લાન સમજાવ્યો હતો. જે બાદ તેમણે પહેલા દહેજમાં એસબીઆઈનું એટીએમ શોધ્યું હતું. પણ મેળ નહીં પડતાં તેમણે ભરૂચમાં રેકી કરતાં પાંચબત્તી પાસેના એટીએમમાં તેમનો ઘાટ પડી ગયો હતો. તેમણે અંકલેશ્વરમાં પણ એટીએમ શોધ્યું હતું પણ તેમનો મેળ પડયો ન હતો.
સિસ્ટમની ક્ષતિ કેવી રીતે જાણી, અલવરનો આસીફ જાણે । ભરૂચ । પોલીસના હાથે ઝડપાઈ ગયેલાં સાજીદે જણાવ્યું હતું કે, આસિફ અલીએ આખો ખેલ શીખી લાવ્યો હતો. કેશ ડિપોઝીટ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વેળાં તેનો પાવર ઓફ કરવાથી મશીનના અને બેન્કના ડેટામાં તે રૂપિયાની એન્ટ્રી થતી નથી. અને તે એસબીઆઈના OKI કંપનીના કેશ ડિપોઝીટ મશીનમાં જ થાય છે. જોકે, આસિફ પોલીસ સકંજામાં આવે તો જ તેણે આ ક્ષતિ ક્યાંથી શિખ્યો, તેની સાથે કોણ કોણ છે તે સહિતની વિગતો મળશે.
