ભાઈને ફિલ્ટર પ્લાન્ટનો ઓપરેટર બનાવ્યો, પુત્રએ રિપેરિંગના કામ કર્યા
ભરૂચ તાલુકા વિકાસ અધિકારીએ મામલામાં તપાસ કર્યા બાદ સસ્પેન્શનનો હુકમ કર્યો
। ભરૂચ !
ભરૂચ તાલુકામાં આવેલાં કોઠી ગામના સરપંચ ઈશાક ઈબ્રાહિમ પટેલ (નમાઝી)એ ગામના ફિલ્ટરેશન પ્લાન્ટના ઓપરેટર તરીકે પોતાના સગાભાઈને લગાવ્યો હતો. તેમજ ફિલ્ટરેશન પ્લાન્ટમાં સર્જાયેલી ક્ષતિઓમાં પોતાના સગા પુત્ર થકી જ કામ કરાવડાવ્યું હતું. સરપંચે પોતાના હોદાનો દૂરઉપયોગ કરી પોતાના પરિવારજનોને કુલ ૨.૪૧ લાખથી વધુના ચુકવણા કરી પંચાયતમાં ગેરવહિવટ કર્યો હોવાની ફરિયાદ તાલુકા પંચાયતમાં થઈ હતી. જેના પગલે ટીડીઓએ મામલાની તપાસ કરાવતાં તેમા તે દોષિત જણાતાં તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે.
ભરૂચ તાલુકામાં આવેલાં કોઠી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા બાદ ઈશાક ઈબ્રાહિમ પટેલ ( નમાઝી)એ સરપંચનો પદભાર સંભાળ્યો હતો.સરપંચ બન્યા બાદ તેમણે તેમના સગા ભાઈ ઐયુબ ઈબ્રાહિમ પટેલ (નમાઝી)ને ગામના ફિલ્ટર પ્લાન્ટના ઓપરેટર તરીકે રાખ્યો હતો. તેમજ તેને મહેનતાણારૂપે ૩ હજાર રુપિયા મહિને ચુકવણું કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર બગડી જવા સહિતના રિપેરિંગ કામ અને સર્વિસની કામગીરી પોતાના જ સગા પુત્ર મોહસીન ઈસાક પટેલને આપવામાં આવી હતી, આમ સરપંચે તેમના સગા ભાઈ અને સગા પુત્રને લાભ થાય તે રીતે તેમને કામ સોંપી તેમને કુલ ૨.૪૧થી વધુની ચુકવણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર કારસાને લઈને ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૩ના સભ્ય હિફઝૂૂ રહેમાન હૈદર બક્ષએ તાલુકા પંચાયત કચેરીએ ગેરરીતિની અરજી કરી હતી. જેના પગલે તાલુકા વિકાસ અધિકારીએ મામલાની તપાસ શરુ કરી હતી. તપાસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આખરે ટીડીઓએ ઈશાક ઈબ્રાહિમ પટેલ (નમાઝી)ને કસુરવાર ઠેરવી તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત તેમનો સરપંચનો ચાર્જ ઉપસરપંચ હસમુખ ભીખાભાઈ વસાવાને સોંપવાનો હુકમ ટીડીઓએ કર્યો છે.
અરજદારનો કબજો દૂર થવાનો હોઈ અરજી કર્યાની રાવ કોઠી ગામના સરપંચ ઈશાક ઈબ્રાહિમ પટેલ વિરૂદ્ધ થયેલી અરજીને લઈને ટીડીઓની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં ઈશાક પટેલે કેફિયત રજૂ કરી હતી કે, લોકહિતમાં નિયમાનુસાર ફિલ્ટર ઓપરેટર તરીકે તેમના ભાઈને રોકવામાં આવ્યો હતો. તે તેમના કુટુંબથી અલગ રહે છે. રેશનકાર્ડ પણ અલગ છે. ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ ચોકઅપ થતાં આકસ્મિક ધોરણે તેનું કામ કરાવવાનુ હોવાથી તે કામગીરી કરાઈ હતી. અરજીની જાણ થતાં જ તેમણે ભાઈને છૂટા કરી દીધાં હતાં, બીજી તરફ અરજદાર હિફઝૂ રહેમાન હૈદર બક્ષ સભ્ય હોવા સાથે સામાન્ય સભામાં હાજર હોવા છતાં આ નિર્ણયોનો વિરોધ કર્યો ન હતો. દરમિયાનમાં નલ સે જલ યોજના હેઠળ પાણીની ટાંકી માટે જે જગ્યાની પસંદગી કરાઈ છે. ત્યાં અરજદારનો કબજો હોવાથી ખોટી અરજી કરી છે.
