ભરૂચ.
ભરૂચના ભોલાવ ખાતે રહેતાં અને ડીજીવીસીએલની જંબુસર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં ગુંજન જયંતિ પ્રજાપતિને ગત 19મી સપ્ટેમ્બરના રોજ ઉબેર ભોટુ વગા ખાતે રહેતાં મહેન્દ્ર ખોડા પરમારે ફોન કરી જણાવ્યું હતું કે, તેઓના ખેતરમાં આવેલાં 11 કેવી વાવાલી એજી ફિડરના ઉબેર ગામથી ઉબેર ભોટુ વગરા તરફના થાંભલાઓ પરથી વીજવાયરોની ચોરી થઇ છે. જેથી તેઓ તેમની ટીમ સાથે તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં તસ્કર ટોળકી 33 વીજ પોલ વચ્ચેના 32 ગાળામાંથી 3360 મીટર વીજતારની ચોરી કરી ગઇ હોવાનું જણાયું હતું. ઘટના અંગે તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો. જેથી તેના આધારે તેમણે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
