ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી, જેના ૨૪ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ઉત્સાહ પૂર્વક વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિકાસ સપ્તાહની આ ઉજવણી થકી અનેક લોકો સુધી પહોંચી રહી છે. આ યોજનાઓએ છેવાડાના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના મંત્રને આ ઉજવણી થકી સાકાર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરએ ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અભિયાન અંગે સંવાદ કર્યો હતો. જેમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર અલગ-અલગ કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તમે પણ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પરથી વધુમાં વધુ લોકોને આ અંગેનો જાગૃતિ સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી.
આ તકે, ભરૂચ જિલ્લાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાના દ્રઢ સંકલ્પ સાથે, કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુંએન્સર્સ સાથે એક ફળદાયી સંવાદ યોજ્યો હતો. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિશાળ વિઝન સાથે ભરૂચના વિકાસની પરિકલ્પના, ભાવિ વિકાસ માટેનો એક સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણો સહિત સમજાવ્યું કે કેવી રીતે આ યોજનાઓ થકી સામાન્ય લોકોના જીવન ધોરણમાં સકારાત્મક અને ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. સાથે જ સરકારી કામગીરી અને પ્રાઈવેટ સેક્ટર વચ્ચેની કામગીરીનો ભેદ સમજાવી માનવીય અભિગમથી વાત કરી હતી. તેમણે વિકસિત ભારત@47ના હેતુઓથી પ્રભાવકોને અવગત કરાવ્યા હતા.
