ભરૂચ
વિકાસ સપ્તાહ અંતર્ગત ડૉ. બાબા સાહેબ આંબેક્ટર હોલ ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કુલ ૬૪૫.૯૫ લાખની રકમના ૮૦ કામોનું ખાતમૂર્હત અને ૧૩૭.૦૦ લાખની રકમના ૭૧ કામોનું લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું હતું કે, સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. યુવાઓને રોજગારી પૂરી પાડવા તથા તેમના કૌશલ્ય સર્જન માટે, મહિલાઓની સુરક્ષા અને તેમને પગભર બનાવી તેમના આર્થિક ઉત્થાન માટે, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ તથા અનેક સાધન સહાય જેવી યોજનાઓ થકી તેમની આવક બમણી કરવા તેમજ ગરીબ અને વંચિતોને અનેક જન સુખાકારીની યોજનાઓનો લાભ આપી તમને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સરકાર સફળ બની છે. આ પ્રસંગે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજે આરોગ્ય, શિક્ષણ, રોજગારી, વીજળી તેમજ ખેતી ક્ષેત્રના વિકાસ સાથે ધબકતા થયા છે. તમામ ક્ષેત્રે માળખાકીય સુધારાઓ સાથે વિકાસની ગતિને વેગ મળ્યો છે અને છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્ય તથા ૧૧ વર્ષમાં દેશની કાયાપલટ થઈ છે. આયુષ્માન કાર્ડની યોજના થકી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મળ્યા છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આજે વિકાસની વિભાવના બદલાઈ છે, શિક્ષણ, આરોગ્ય તથા શહેરી વિકાસ ક્ષેત્રે આદર્શ રોડ મેપ થકી અનેક વિકાસ પ્રકલ્પો નિર્માણ પામ્યા છે અને પામી રહ્યા છે. સરકાર દ્વારા જીએસટીના સ્લેબના ઘટાડો કરવામાં આવ્યો છે જેના લાભ આજે નાના ખેડૂતથી લઈને મોટા ઉદ્યોગપતિઓને મળી રહ્યાં છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુ અપનાવીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
