જિલ્લામાં સૌથી વધુ વાલિયામાં બે ઈંચ-ઝઘડિયામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં ગઈકાલે રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ૪૮ કલાકથી ભરૂચ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં હોવાને કારણે ખેડૂતોના માથા પર ચિંતાની લકીરો ઉપસી આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વાલિયામાં બે ઈંચ તેમજ ઝઘડિયા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અરબ સાગરમાં સર્જાયેલાં ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાંય જિલ્લાઓમા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ માવઠું થતાં વાતાવરણમાં ભારે બદલાવ અનુભવાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી હતી. નવરાત્રી બાદ શિયાળાની શરુઆત થયાનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, બાદમાં છેલ્લા અઠવડિયામાં ભારે ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયાં હતાં. દરમિયાનમાં શનિવારની રાત્રી બાદથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. જેમાં સૌથી વધુ વાલિયામાં બે ઇંચ તેમજ ઝઘડિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નેત્રંગ અને હાંસોટમાં એક ઈંચ, જંબુસર-આમોદમાં ૭-૭ મીમી, ભરૂચમાં ૧૧ મીમી, અંક્લેશ્વરમાં ૧૨ મીમી વરસાદ નોધાયો હતો. કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ડાંગર અને કપાસ સહિત મગ, મઠ, અડદ તેમજ તૂવેર પકવનારા ખેડૂતોને નુકસાનીની ભિતી સતાવી રહી છે.
વધુ સમય આવુ વાતાવરણ રહેશે તો નુકસાન થશે એકાદ-બે દિવસ સુધી સામાન્ય વરસાદી ઝાપટાંથી કોઈ પાકને નુકસાનની ભિતી હાલ નથી. ડાંગરના પાક નુકસાનની શક્યતાઓ છે. જો, આજ પ્રકારનું વાતાવરણ આગામી સપ્તાહ સુધી રહેશે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલમાં હાંસોટ પંથકમાં સુકવવા મુકેલી ડાંગર પલરી જવાની ફરિયાદ સિવાય અન્ય કોઈ સ્થળેથી નુકસાનીની બુમ ઉઠી ન હતી. -કુલદીપ વાળા, જિલ્લા ખેતિવાડી અધિકારી, ભરૂચ.
