છઠપૂજાની ઉજવણી: મહિલાઓએ વ્રત રાખી પરિવાર માટે પ્રાર્થના કરી
ભરૂચ.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારોએ છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના ભાઈઓ બહેનોએ સાંજે ડૂબતા સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવ્યો હતો.
ભરૂચ જિલ્લાને પોતાની કર્મ ભૂમિ બનાવનાર ઉત્તર ભારતના લોકો ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ વસવાટ કરે છે. ત્યારે આજે તેમનો છઠ પૂજાનો તહેવાર હોય દીનકર સેવા સમિતિ દ્વારા ઝાડેશ્વર નર્મદા નદી કિનારે છઠપૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આજે ઉત્તર ભારતીઓએ મોટી સંખ્યામાં પરિવારો સાથે ઉમટી પડી પરંપરાગત છઠ પૂજા ઉત્સવની ઉજવણી કરી છે. તિથિ પ્રમાણે છઠ પૂજા ચાર દિવસની હોય છે. આ દરમિયાન ઉપવાસીઓ મહિલાઓ સતત 36 કલાક પાણી વગરનો ઉપવાસ રાખીને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરે છે. સાંજે ડૂબતા સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. જ્યારે બીજા દિવસે સવારે સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને સૂર્યોદય સમયે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી પસાર થઈને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.
