વરસાદી કાંસ ના જર્જરીત ઢાંકણ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્લેબ ના ઢાંકણ ન બદલતા ઘટના નું પુનરાવર્તન જોવા મળ્યું હતું. પાલિકા ફાયર ટીમ એ ગાય ને વરસાદી કાંસ માંથી ભારે જહેમતે બહાર કાઢી હતી.
અંકલેશ્વર હસ્તી તળાવ વિસ્તાર માં ગાયત્રી મંદિર પાસે બોક્સ ડ્રેઇન વરસાદી કાંસ પાલિકા દ્વારા બનાવવામાં આવી હતી. જો કે વર્ષો જૂની આ કાંસ ના ઢાંકણ જર્જરિત થઇ ગયા છે. મહિના પૂર્વે પણ આજ સ્થળે વરસાદી કાંસ ના ઢાંકણ તૂટી જતા એક ગાય અંદર ખાબકી હતી જેને પાલિકા ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. જો કે આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા નું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. જે બાદ પણ કોઈ કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી. જેના પરિણામે આજરોજ પુનઃ ગાય આ કાંસ પર થી પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક ઢાંકણ તૂટી જતા ગાય ઢાંકણ સાથે કાન્સ માં ખાબકી હતી. જે અંગે સ્થાનિકો ને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવી પાલિકા ફાયર ટીમને જાણ કરી હતી. જેને પાલિકા ફાયર ટીમે અંતે ભારે જહેમતે બહાર કાઢી હતી. અત્રે ઉલેખનીય છે કે અહીં બાળકો પણ રમતા હોય છે ત્યારે કોઈ બાળક કે માનવ શરતચુક થી અંદર પડે તો કોણ જવાબદાર ? બાળક અંદર પડે અને જીવ ગુમાવે તો પાલિકા માથે માછલાં ધોવાય તો નવાઈ નહિ. પૂર્વ પાલિકા પ્રમુખ ના વોર્ડ માં જ આ સ્થિતિ જોતા સ્થાનિકો રોષ ફેલાયો છે.
