વાલિયા બજારમાં ૧૦-૨૦ રૂપિયાની નોટો પડી હોવાનું કહીં કાર ચાલકને ભરમાવ્યો
। ભરૂચ !
અંક્લેશ્વરના પટેલ નગર વિસ્તારમાં આવેલી હરીમંગલ સોસાયટી ખાતે રાજુ હરજીવન રાઠોડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમના નાના ભાઈ પાસેથી તેઓ ૩ લાખ રૂપિયા લાવ્યાં હતાં. જે તેમને ડહેલી ખાતે રહેતાં લતીફ દાઉદ કડીવાલાને આપવાના હોવાથી તેઓ તેમની કારમાં એક કાળા કલરની બેગમાં રૂપિયા મુકી ડહેલી જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં વાલિયા ખાતે પહોંચતાં ત્યા ભાગવત સપ્તાહનો કાર્યક્રમ હોઈ ત્યાં ગયાં હતાં. જોકે, વરસાદને કારણે કાદવ-કિંચડ હોવાથી તેમણે ચ્હાની લારી પાસે જ પોતાની કાર ઉભી રાખી બે કલાક ત્યાં બેઠાં હતાં. જે બાદ તેઓ તેમની પત્નીને મોબાઈલ લેવાનો હોવાથી વાલિયાના બસ સ્ટેન્ડ પાસે ગયાં હતાં.
જ્યાં જય અંબે મોબાઈલ નામની દુકાનમાંથી તેમણે ૧૦ હજારનો મોબાઈલ ખરીદી કર્યો હતો. ત્યાં તેમનું ખાતું ચાલતું હોવાથી કારમાંથી રૂપિયાની બેગ લાવી તેમાંથી ૫ હજાર રૂપિયા મોબાઈલ દુકાનમાં આપ્યાં હતાં. જયારે બાકીના ૫ હજાર બાદમાં આપવાનું નક્કી કરાયું હતું. તેઓ કારમાં જઈને બેઠાં તે વેળાં એક લાલ કેસરી કલરનો ચેક્સ શર્ટ પહેરેલો શખ્સ તેમની પાસે આવ્યો હતો. તેણે તુમ્હારા પેસા ગીરા હૈ દોસો દોસો કી નોટ તેમ કહી શખ્સ બજાર તરફ જતો રહ્યો હતો. તેમણે કારનો દરવાજો ખોલી જોતાં ૧૦-૨૦ની નોટો ગાડીથી આગળ પડેલી હતી. તેઓએ રુપિયા લઈ પરત કારમાં બેસતાં તેમની કારમાંથી ૨.૯૫ લાખ રૂપિયા તેમજ નવો લીધેલો મોબાઈલ ભરેલી બેગ ગાયબ જણાઈ હતી. જેથી તેમને નોટો અંગે કહેનાર શખ્સ અને તેના અન્ય સાગરિતોએ મળી તેમની કારમાંથી રૂપિયા તેમજ મોબાઈલ મળી કુલ ૩,૦૫ લાખનો મુદ્દામાલ ચોરી ગયાં હોવાનું માલુમ પડયું હતુ. બનાવ સંદર્ભે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
