કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલ મુકાયાં
ભરૂચ.
જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટી આણી મંડળીએ નવી બોડીની પહેલી જ બે મિટીંગમાં કુલ ૨૩.૭૦ લાખના ખોટા બીલો મંજુર કરાવ્યાના આક્ષેપ ગામના જાગૃત નાગરિક ઈમરાન અહમદ પટેલે કર્યા છે.
ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર તાલુકામાં આચરાયેલાં મનરેગા કૌભાંડની ઘટના હજી લોકોના માનસપટલ પર જીવંત છે. ત્યારે જંબુસરના જ દેવલા ગામમાં મહિલા સરપંચ રેહાના પટેલ તેમજ તલાટી વિજેન્દ્રસિંહ સિંધા તેમજ તેમના સગારિતોએ મળીને ગામ પંચાયતમાં બોગસ બીલો મુકી લાખોની ખાયકી કરી હોવાના આક્ષેષ ગામમાં જ રહેતાં ઈમરાન અહમદ પટેલે કર્યા છે.તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મહિલા સરપંચ રેહાના પટેલ ૧૯મી જાન્યુઆરી ૨૦૨૨માં સત્તારુ઼ઢ થયાં હતાં. જોકે, તેમણે ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મળેલી પહેલી મિટીંગમાં ૧૫.૭૦ તેમજ ૧૯ માર્ચ ૨૦૨૨ની બીજી મિટીંગમાં ૮ લાખ એમ કુલ ૨૩.૭૦ લાખની વધુની મત્તાના ખોટા બીલો મંજૂર કર્યા હતાં. તમામ બીલોમાં બોગસ સહી કરવામાં આવી હોવા છતાં ચુકવાયા છે ઉપરાંત તે બીલો પહેલાં ચુકવાઈ ગયાં બાદ તેના ઠરાવ કરવામાં આવ્યા છે. જે અંગે તેમણે આરટીઆઈ કરવા સહિતની કાર્યવાહી કરતાં ટીડીઓએ તેમાં તપાસ કરતાં તેમાં કુલ ૯ કામો થવાનો રિપોર્ટ કર્યો હતો. જોકે, તે પૈકીના પ કામોમાં સીસી એટલે કે કમ્પ્લેશન સટીફિકેટ આવી ગયાં બાદ તે કામ માટે રેતી કંપચી સહિતનો સામાન આવ્યાના બીલ મુકાયાં હોવાનું તેમણે જણાવ્યું છે. બીજા ચાર કામમાં કામ શરૂ થયાના ૪૧ દિવસ પહેલાં મંજૂરીબીલ આવી ગયાં હોવાની વિગતો છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ એક વર્ષથી લડત ચલાવી રહ્યાં છે. સરકારી મોટા અધિકારીઓ પણ આરોપીઓને મદદરૂપ થઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. કૌભાંડીઓએ અગાઉ ઈલ્યાસ પટેલના સમયે બનેલાં ૭ રોડના કામોને પુનઃ બતાવી બીલો પાસ કરાવ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
મારૂતિસિંહ અટોદરિયા સહિતના નેતાઓનું પીઠબળ હોવાના આક્ષેપ પત્રકાર પરીષદમાં આક્ષેપકતાં ઈમરાન પટેલે ચોકાવનારા આરોપ કર્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ સતત ગ્રામપંચાયતમાં થયેલી ઉચાપતની લડાઈ લડી રહ્યા છે. ત્યારે તેમને સંલગ્ન અધિકારીઓ દ્વારા સીધી પ્રતિસાદ મળ રહ્યો નથી. બીજી તરફ ડેપ્યુટી સરપંચ સહિતના કૌભાંડમાં સંડોવાયેલાં લોકો મારૂતિસિંહ અટોદરિયા તેમજ અન્ય ભાજપના નેતાઓ તેમના સપોર્ટમાં છે તેવી શેખી મારી તુ ગમે તેવા કેસ કર અમારું કાંઈ નહીં થાય તેમ તેઓ કહેતાં હોવાનો આક્ષેપ ઈમારને કર્યો છે.
