જિલ્લામાં શિક્ષણ, રોજગાર સહિતના વિભાગો દ્વારા SIR અંગે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું
ભરૂચ
સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લાના તમામ ૫ (પાંચ )- વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા Enumeration Form ના વિતરણ અને સંગ્રહનો કાર્યક્રમ શરૂ થયેલ છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમને તા.૨૨/૧૧/૨૫ (શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫ (રવિવાર)ના રોજ જિલ્લામાં ખાસ કેમ્પ યોજાનાર છે.
ઉપરોક્ત કાર્યક્રમોને અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગ, સમાજ કલ્યાણ, પંચાયત વિભાગ, નગરપાલિકા, વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત ઉપરોક્ત સમય દરમ્યાન ખાસ કેમ્પના આયોજન અંગે લાઈઝન વિભાગોને વિસ્તૃત વિગતો અને રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે દૂરના કે અશક્ત સમૂહો સુધી પહોંચવા માટે બ્લોક કક્ષાએ માઈક્રો આયોજન કરીને ખાસ કેમ્પ યોજવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
ઉપરોક્ત વિગતોને અનુસંધાને નોડલ અધિકારીઓએ બ્લોક કક્ષાએ વિવિધ સમુહોને આવરી લઈને પોતાના આયોજન પ્રમાણે કામગીરી શરૂ કરી છે. શિક્ષણ વિભાગ અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે ઝઘડીયા તાલુકાના રતનપુર ખાતે સિદ્દી સમાજના ગ્રામજનોને એસઆઇઆર અંગે સમજુત કરી જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. તેમજ પાનોલી જીઆઈડીસીમાં આવેલી અલગ – અલગ ઈન્ડ્રસ્ટીઝમાં પણ રોજગાર વિભાગ દ્નારા કેમ્પ કરી એસઆઇઆર વિશે વિગતે સમજણ આપવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં છૂટછવાયા વિસ્તારોમાં રહેતા જનજાતિય સમુદાય, હળપતિ સમૂહ, માછીમાર સમુહ, મીઠાંના અગરીયામાં કામ કરતાં શ્રમિકો, ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંરિત લોકો, સ્લમ વિસ્તાર, થર્ડ જેન્ડર, વિચરતી – વિમુક્ત જ્ઞાતિ, વગેરે જેવા સમૂહો સુધી આપણા વહીવટી તંત્રના સંલગ્ર ડીપાર્ટમેન્ટ પહોંચી SIR વિશેની સમજૂત કરી તા.૨૨/૧૧/૨૫( શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫(રવિવાર)ના રોજ યોજાનાર ખાસ કેમ્પનો લોકો લાભ લે તેવા પ્રયત્નો કરી રહ્યું છે.
અત્રે ઉલ્લખનિય છે કે, ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૪ નવે. થી ૪ ડિસે.- ૨૦૨૫ દરમિયાન મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમને તા.૨૨/૧૧/૨૫( શનિવાર) અનેતા.૨૩/૧૧/૨૦૨૫(રવિવાર)ના રોજ ખાસ કેમ્પ યોજાનાર છે. તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે ૦૯.૦૦ કલાકથી બપોરે ૦૧.૦૦ કલાક સુધી હાજર રહેશે.
મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બુથ પર હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. ભરૂચ જિલ્લામાં આગામી સમયગાળા દરમિયાન યોજાનાર કેમ્પમાં ભાગ લઈ મતદારયાદી શુધ્ધીકરણની પ્રક્રીયામાં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.
