ઘટનાનું રી -કન્સ્ટ્રકશન કરતી વેળાં મૃતકના પરિવારજનોએ આરોપી સાથે ઝપાઝપી કરી
ભરૂચ
નંદેલાવ ગામે આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં અને રામદેવ પીર કેટરર્સના નામે રસોઈયાનો વ્યવસાય કરતાં પ્રકાશ માલીની નામના શખ્સની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેમના ત્યાં જ કામ કરતાં બે કામદારો શંકાના દાયરામાં આવ્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ પોલીસે પટનાના ૧૦૦ દિવસમાં જ એક આરોપીને ઝડપી પાડયો છે. બુધવારે ટીમે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ. જોકે તે સમયે મૃતકના પરિવારો ત્યા હાજર હોઈ તેમણે આરોપી સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભરૂચના નંદેલાવ ખાતે આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં રસોઈયા પ્રકાશ માલિનીની હત્યાના કેસમાં ૧૦૦ દિવસમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે. ઝડપાયેલો હત્યારો કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ મૃતક પ્રકાશને ત્યાં ૨ વર્ષથી કામ કરતો હતો. તેણે અને તેની સાથે આવેલાં છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ મળીને રૂપિયાની લાલચમાં આવી હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક કારણ તેણે આપ્યું છે. ઘટનાને પગલે પોલીસે તેને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા બુધવારે સવારે આશિર્વાદ સોસાયટીમાં પહોંચી હતી. આરોપીના ત્યા આવવાથી જ આસપાસના લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. બીજી તરફ મૃતકના પરિવારજનોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કરી આરોપીને મેથીપાક ચખાડવાને ઈરાદે ઝપાઝપી કરી હતી. જોકે, પોલીસે યેનકેન પ્રકારે સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. પોલીસે હત્યારા કમલાપ્રસાદને સાથે રાખી તેઓ કેવી રીતે આવ્યાં, શું કર્યું, હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે તમામ બાબતો તપાસી હતી.
હત્યારાને ફાંસીના માંચડે ચઢાવો મારા પિતાને ત્યાં કમલાપસાદ કામ કરતો હતો. તેણે રૂપિયા માટે મારા પિતાની હત્યા કરી છે. તેને ફાંસીની સજા મળવી જોઈએ. તેને થોડી સજા થશે તો સજા પુરી કરી તે બહાર નિકળી મને કે મારા પરીવારજનોને નુકસાન કરે તેવી ભીતિ છે. તેને ફાંસીના માંચડે ચઢાવો તેવી અમારી માંગ છે.- મૃતકની પુત્રી
ચ્હામાં ઘેનની દવા મિક્ષ કરી હોવાની કબુલાત રીકન્સ્ટ્રક્શન વેળાં હત્યારા કમલાપસાદ ઉર્ફે રાજેશે જણાવ્યું હતું કે, તેઓ બન્ને શેઠના ઘરે ગયાં બાદ મોડી રાત્રી સુધી બેઠાં હતાં. દરમિયાનમાં તેઓએ ચ્હા બનાવી હતી. જે ચ્હામાં ઘેનની દવા નાંખી શેઠને બેભાન કરી દીધાં હતાં. જે બાદ તેમના હાથપગ બાંધી દીધાં હતાં. અને ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરી તેઓ ભાગી ગયાં હતાં.
કમલાપ્રસાદને તેના સાથીએ ઉકસાવ્યો હતો કમલાપ્રસાદ છેલ્લા ૨ વર્ષથી ત્યાં કામ કરતો હતો. જોકે, 6 મહિના પહેલાં તે તેના વતને ગયો હતો. જે બાદ ઘટનાના થોડા સમય પહેલાં તેના સાથી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ સાથે પરત આવ્યો હતો. તેણે તેને પણ કામે લગાડી દીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ જુગાર, ચોરી સહિતના કામ કરતો હતો, તેણે પ્રકાશ માલિનીના ઘરે આવતી જતી વેળાં તેના ઘરમાં રૂપિયા-દાગીના જોતાં તેણે કમલાપ્રસાદને ચોરી માટે ઉકસાવતા તેઓએ મળી ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે.
હત્યાની ઘટના શું હતી ? ભરૂચ શહેરના નંદેલાવ ગામે મુળ રાજસ્થાનના પ્રકાશ માલીની ૨૦ વર્ષથી રહેતાં હતા અને રામદેવ પીર કેટરર્સના નામે રસોઈયા તરીકે વ્યવસાય કરતાં હતાં. ગત ઓગષ્ટ મહિનામાં તેમનો પરિવાર રાજસ્થાન ગયો હતો. તે વેળાં તે ઘરમાં એકલાં જ હતાં. 16મી ઓગષ્ટની રાત્રીએ તેમના ત્યાં બે વર્ષથી કામ કરતો કારીગર કમલાપસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ વર્મા તેમજ કમલાપ્રસાદના ગામનો તેનો પરીચિત અને હાલમાં જ તેમના ત્યાં કામે લાગેલો છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ તેમના ઘરમાં પ્રવેશી પ્રકાશ માલીનીના હાથપગ બાંધી ઘરમાંથી સોના-ચાંદી તેમજ રોકડાની લૂંટ કરી રફુચક્કર થઈ ગયાં હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં અંદર જઈ તપાસ કરતાં પ્રકાશનું ગુંગળામણથી એટલે કે ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું માલુમ પડતાં ટીમે તેમને શોધવાની કવાયત હાથ ધરી હતી. બન્ને હત્યારાઓ પ્રકાશ માલિનીની ઈકો કાર પણ ચોરી ગયાં હતાં. જે બાદમાં વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી મળી હતી.
