સમયસર જેલમાં હાજર ન થઈ ૯ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો
ભરૂચ.
ભરૂચ શહેરના ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજિવન કેદની સજા ભોગવતાં સચિન પંડયાએ 2016માં પેરોલની રજા લીધી હતી. જોકે બાદમાં તેણે સમયસર જેલમાં પરત નહીં આવતાં તેને કરાર જાહેર કર્યો હતો. દરમિયાનમાં છેલ્લા ૯ વર્ષથી ફરાર સચિન પંડયાને એલસીબીએ મોરબી ખાતેથી ઝડપી પાડયો હતો.
ભરૂચની આનંદમંગલ સોસાયટીમાં રહેતાં ઝી ટ્રાવેલ્સ અને ઈલેક્ટ્રોનિક્સના માલિક સુનિલ તાપિયાવાલા હાઈપ્રોફાઈલ હત્યા કેસમાં સુનિલની પત્ની હિરવા, સાઢુભાઈ સચિન પંડયા સહિત ત્રણ જણા સામે કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે સુનિલની પત્ની હિરવાને ચોક્કસ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી હતી. જયારે તેના સાઢુભાઈ સચિન તેમજ અન્ય એક આરોપી સમીર ઉર્ફે ઈરફાનને આજીવન કેદની સજા ફટકારી હતી. જેના પગલે તેમણે જેલમાં ધકેલી દેવાયાં હતાં. દરમિયાનમાં સચિન પંડયાને વડોરદા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. અરસામાં ૨૦૧૬માં તેણે પેરોલની રજા માટે અરજી કરી હતી. જે માન્ય રખાતાં તેને પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેને જે સમયે હાજર થવાનું હોવા છતાં તે હાજર નહીં થતાં તેને ફરાર જાહેર કર્યો હતો. છેલ્લા ૯ વર્ષથી તે ફશર હતો. દરમિયાનમાં તે મોરબી તેના બહેનને ત્યાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના પગલે ટીમે તુરંત મોરબી પહોંચી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ૨૪ કલાક મોરબી ખાતે વોચ ગોઠવી પેરોલ જમ્પ કયાં બાદ સચિન પંડયા મહારાષ્ટમાં મુંબઈ, પૂર્ણ સહિત અન્ય રાજયોમાં જઈ ત્યાં ડ્રાઈવર તરીકેની નોકરી કરીને પોતાનું જીવન ગુજારતો હતો. છેલ્લાં ૯ વર્ષથી તે કોઈના સંપર્કમાં ન હતો. જોકે, ૫-૬ મહિનાથી તેણે મોરબી ખાતે રહેતી તેની બહેનને ત્યાં આવવાનું શરૂ કર્યું હતુ. જેથી ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપી મોરબી આવતાં ૨૪ કલાક સુધી તેના પર નજર રાખી બાદમાં તેને મોરબીના મહેન્દ્ર નગરમાંથી ઝડપી પાડયો હતો.
આરોપીને સબજેલને સોંપવાની કવાયત ઝડપાયેલાં આરોપી સામે એલસીબીની ટીમે બીએનએનએસની કલમ હેઠળ કાર્યવાહી કરી તેને ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવા સાથે તે બાદ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવા માટેની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.
