જિલ્લા કલેક્ટરે કમિશ્નર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગને દરખાસ્ત મોકલી
73 એએની તેમજ ગૌચરની જમીન પર ગેરકાયદે લીઝો ચાલી રહી હતી
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં આદિવાસી બાહુલ વિસ્તારમાં ચાલતી સિલીકા સેન્ડની લીઝો પૈકીની ઝઘડિયા પંથકની 4 લીઝને રદ કરવાની દરખાસ્ત કલેક્ટરે કરી છે. આ લીઝો 73એએની તેમજ ગૌચર જમીનો પર આવેલી હોવા સાથે તેના માટે ગ્રામ સભા ઠરાવ, પર્યાવરણ મંજૂરી મેળવ્યાં વિના જ ચાલતી હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાનમાં આવતાં તેના પર કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વિસ્તારમાં કેટલીંયે સિલીકા સેન્ડની લીઝો આવેલી છે. ત્યારે તે પૈકીની કેટલીંક લીઝ ગેરકાયદે હોવાની રાવ સાથે સ્થાનિક જાગૃત સામાજિક કાર્યકર્તા ડો. ભાવીન વસાવા તેમજ અન્ય લોકો દ્વારા લાંબા સમયથી આ લીઝોને લઇને સરકારમાં પત્રો લખી યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યાં હતાં. ચાલતી લીઝો પૈકીની પડાલ ગામની એક 48 હેક્ટરની અને બીજી 25 હેક્ટરની એમ બે લીઝ તેમજ ભીમપોર ગામની 181 હેક્ટરની એક અને બીજી 7 હેક્ટરની એમ બે લીઝોને લઇને તેમણે દસ્તાવેજી પુરાવા સાથે સરકારના વિવિધ વિભાગોમાં, તત્કાલિન કલેક્ટરોને તેમજ સંબંધિત અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે. તેમજ ઓનલાઇન ફરિયાદ પણ કરી છે. ત્યારે તાજેતરમાં યોજાયેલાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પડાલ ગામની બે અને ભીમપોર ગામની બે લીઝ એમ કુલ 4 લીઝોને રદ કરવાની દરખાસ્ત કરી હોવાની જાહેરાત કરી છે.
ઝઘડિયા તાલુકો આદિવાસી બાહુલ વસ્તી ધરાવતો તાલુકો છે ત્યારે આ લીઝોમાં એક તરફ આદિવાસી સમાજના લોકોની જમીનો ગઇ છે. ઉપરાંત મોટા ભાગની લીઝો 73-એએ ની જમીન તેમજ ગૌચરની જમીનો પર બનાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. બીજી તરફ મોટાભાગની લીઝોમાં ગ્રામ સભાનો મંજૂરીનો ઠરાવ થયો નથી તેમજ પર્યાવરણ મંજૂરી પણ મેળવાઇ નથી. જેના કારણે આ લીઝોને રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
નોંધનિય છે કે, ભીમપોર ગામે જ ભુંડવાખાડી પાસે બે લીઝ આવેલી છે. તેની પર્યાવરણ મંજૂરી એસઇઆઇએઆઇ તેમજ એસઇએસી દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આ બન્ને લીઝો પણ રદ કરવામાં આવે તેવી શક્યતાં છે.
લીઝની ટ્રકોથી અકસ્માતોમાં માનવજીવ ગુમાવવાનું પ્રમાણ વધુ એક તરફ ઝઘડિયા પંથકમાં ચાલતી લીઝોને કારણે વિસ્તારમાં ડમ્પર-ટ્રકો સહિતના મોટા વાહનોની ભારે અવર-જવરને કારણ રોડ રસ્તાની સમસ્યા તો સામે આવી જ રહી છે. જોકે, આવા મોટા વાહનો દ્વારા કરાતાં અકસ્માતોમાં માનવજીવ ગુમાવવાના અસંખ્ય બનાવો બન્યા છે. સપ્તાહમાં બેથી ત્રણ બનાવો બનતાં હોય છે. ત્યારે લીઝ બંધ થવાને કારણે લોકોએ થોડી રાહત અનુભવી છે.
લીઝોની ટૂંકી માહિતી
1 ) ભીમપોર ગામની 181.51.00 હેક્ટરની અગેટ/સિલીકા સેન્ડની લીઝ 1970માં અલીમીયા આઇ. સૈયદને અપાઇ હતી. આ લીઝ છેલ્લાં 8 વર્ષથી બંધ છે. બીજી તરફ તેનું 2.29 કરોડ જેટલું લેણું બાકી છે. આ લિઝમાં ગ્રામ સભાનો ઠરાવ નથી થયો, પર્યાવરણીય મંજૂરી નથી લેવાઇ.
2 ) ભીમપોર ગામની 6.85.94 હેક્ટરની સિલીકા સેન્ડની લીઝ પણ અલીમીયા આઇ. સૈયદને અપાઇ હતી. આ લિઝમાં ખાનગી જમીનના બિનખેતીના આધારો રજૂ કર્યાં નથી. તેમજ 73એએ હેઠળ પૂર્વ મંજૂરી મેળવી સંલગ્ન કચેરીને રજૂ કરી નથી. તેમાં પણ રૂપિયાના લેણાં બાકી છે.
3 ) પડાલ ગામે અલીમીયા સૈયદના પુત્ર ઇમ્તિયાઝ અલીમીયા સૈયદે ન્યુ ઇન્ડિ્યા મિનરલ્સ પ્રો. તરીકે 48.68.15 હેક્ટરની સિલીકા સેન્ડની લીઝ શિડ્યુઅલ એરિયામાં શરૂ કરી હતી. જેમાં ગ્રામ સભાનો ઠરાવ નથી. ગૌચરમાં લીઝ શરૂ કરી દીધી હતી. જેના કારણે આદિવાસીઓના પશુઓના ચારાની વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થયો હતો.
4 ) પડાલ ગામે 25.32.33 હેક્ટરની સિલીકા સેન્ડની લીઝ શ્રીમતી ઉષાબેન સદાનંદ વર્લેકરના નામે છે. જે આખી લીઝ ગૌચરની જમીન પર હતી. તેમાં પર્યાવરણી મંજૂરી લેવાઇ નથી. તેમજ તેના પણ 29 લાખથી વધુના લેણાં બાકી નિકળતાં હોવા સાથે મામલતદારના નકારાત્મક અભિપ્રાયને લઇને તેને પણ રદ કરાઇ છે.
