ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી શબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મિડિયમ શાળાના પ્રાંગણમાં શનિવારે “મોક પાર્લામેન્ટ લોકસભા” નામે વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 60 જેટલા વિદ્યાર્થીઓએ આજના સમયના મહત્વના રાજકીય વિષયો પર શિસ્તબદ્ધ રીતે પોતાના વિચારો અને વક્તવ્ય રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જજ તરીકે ડૉ.તૃપ્તિ અનમોલા (પ્રોફેસર, યુ.પી.એલ યુનિવર્સિટી) અને અનુરાગ અગ્રવાલ (એડવોકેટ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં સંસદની કાર્યપ્રણાલી, રાજ્યસભા અને લોકસભાના પરિસરની સમજ વિકસાવવાનો તેમજ લોકશાહી પ્રક્રિયામાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓએ સંસદીય શિસ્ત સાથે જે રીતે ચર્ચા કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા તે સૌના માટે પ્રેરણારૂપ બન્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ,આત્મવિશ્વાસ અને વિચારોની પરિપક્વતા ખાસ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય શાલિન જહોને ઉપસ્થિત તમામ વાલીગણ તથા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
