નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કામોના ખર્ચમાંથી ચૈતર વસાવાએ ૭૫ લાખની માંગણી કર્યાના આક્ષેપ
। ભરૂચ ।
નર્મદા જિલ્લામાં યોજાયેલાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના ખર્ચ પેટે ૭૫ લાખના તોડના આક્ષેપોને લઈને રાજકિય માહોલ હવે ગરમાયો છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંબંધિત અધિકારી પાસેથી ૭૫ લાખની માંગણી કરી હોવાનું કલેક્ટરે જણાવ્યા બાદ ફરી ગયાં હોવાનો રોષ સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે. આ મામલામાં તપાસ થાય તેમજ સરકાર જો આ મામલામાં સત્યને સાથ નહીં આપે તો તેઓ ભાજપમાંથી રાજીનામું ધરી દેશે તેવી ચીમકી આપતાં રાજકિય માહોલ ગરમાયો છે.
નર્મદા જિલ્લામા પ્રધાનમંત્રીના કેવડિયા કોલોની તેમજ દેડિયાપાડા ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં થયેલાં ખર્ચને લઈને તેમાં ચેતર વસાવાએ ૭૫ લાખની માંગણી કરી હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપના પ્રકરણમાં કલેક્ટરના મૌનને લઈને મામલો ગરમાયો છે. દરમિયાનમાં ગુરુવારે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં સમગ્ર પ્રકરણમાં સરકાર અને તેમની ભાજપ પાર્ટી સત્યની આ લડતમાં તેમને સાથ નહીં આપે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુરુવારે નિવેદન આપ્યું હતું કે, કેવડિયા ખાતે રાષ્ટ્રપતિ મુલાકાત કરી પરત જતાં હતાં તે વેળાં તેઓ અને નિલ રાવ સાથે હતાં ત્યારે કલેક્ટર મોદી તેમની પાસે આવ્યાં હતાં. તેમણે તેમને ફરિયાદ કરી હતી કે, એકતા નગર અને દેડિયાપાડા ખાતે યોજાયેલાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલાં ખર્ચને લઈને દેડિયાપાડા ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે. તેમજ તેમાં ૭૫ લાખ રૂપિયાની તેમણે માંગણી કરી છે. તેમ તેમના કાર્યપાલક ઈજનેરે તેમને જણાવ્યું છે. જેના પગલે સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં બે વાર તે કિસ્સાને લોકો સમક્ષ મુકી હતી. દરમિયાનમાં બીજી તરફ નર્મદા જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારની રકમની માંગણી કરી ન હોવાનું સ્વિકારી તેનો વિડીયો વાયરલ કર્યો છે. જેના કારણે આખું રાજકારણ ગરમાયું છે. સાંસદે સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે, તેઓ શુક્રવારે નર્મદા જિલ્લા કલેકટરને રુબરુ મળશે અને મામલામાં ખુલાસો માંગશે. ત્યારે સરકાર દ્વારા આ મામલામાં તપાસ કરવામાં નહીં આવે તો અને સત્યની તરફેણમાં સરકાર નહીં આવે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
