નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રૂ. ૭૫ લાખ રૂપિયાની ખંડણી તથા લાંચ માંગણીના ગંભીર આક્ષેપો પ્રકાશમાં આવ્યા છે. આ બાબત અંગે નર્મદા જિલ્લાના કલેક્ટર દ્વારા મીડિયાની સામે જાહેર નિવેદન આપવામાં આવ્યું હોવા છતાં, આજદિન સુધી સરકારના કોઈ પણ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી ન કરવામાં આવતા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોળા એ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર જેવા જવાબદાર IAS અધિકારી દ્વારા મીડિયામાં આપવામાં આવેલી માહિતી Cognizable Offence Information ગણાય છે, જેના આધારે લાંચ રૂશ્વત નિવારણ બ્યુરો (ACB) દ્વારા તાત્કાલિક FIR નોંધીને તપાસ શરૂ થવી જોઈએ હતી. તેમ છતાં, સરકારનું મૌન અને નિષ્ક્રિયતા શંકાસ્પદ છે.
માંગરોળા એ જણાવ્યું કે, આ મામલે સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવા, કાર્યપાલક ઈજનેર તથા કોન્ટ્રાક્ટર – સહિત ભાજપના પણ નેતાઓ સંડોવાયેલ હોવાની પૂરી સંભાવના છે. આવી સ્થિતિમાં માત્ર રાજકીય નિવેદનો અને આક્ષેપો દ્વારા મામલો દબાવી દેવો યોગ્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે, કાયદાનો રાજ અને ન્યાયપ્રણાલી પ્રત્યે જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે, આ સમગ્ર મામલે નિવૃત્ત માનનીય ન્યાયાધીશની અધ્યક્ષતામાં વિશેષ તપાસ સમિતિ (SIT) રચી, સંપૂર્ણપણે નિષ્પક્ષ, સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવી અત્યંત જરૂરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પોતે તેઓ ACB મા કાયદેસર અને લોકશાહી માર્ગે આ મુદ્દે ફરીયાદ કરશે અને આ બાબત રાજ્યવ્યાપી આંદોલન ઉભુ કરશે.
