Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાના કર્મયોગી ખેડૂતોએ ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકો, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર શરૂ કર્યું.

Share

સૂરજના તેવર બદલાયા છે અને અંગ દઝાડતી દાહક ગરમી જિલ્લામાં વરસી રહી છે. પાકી ડામરાઉ સડકો પર બપોરની બળબળતી ગરમીમાં મૃગજળના રેલા ઉતરવાના શરૂ થઈ ગયાં છે. વસંતનો ગ્રીષ્મ તરફનો પ્રવાસ રમ્ય નહીં આકરો રહેવાના એંધાણ છે. તેવા સમયે વડોદરા જિલ્લાના કર્મયોગી ખેડૂતોએ પરસેવાના રેલા વહાવીને ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકો, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર શરૂ કરી દીધું છે તેના પગલે દઝાડતા તાપના કહેર વચ્ચે ખેતરો છૂટાછવાયા હરિયાળા ટાપુઓ જેવા દેખાઈ રહ્યાં છે.

વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૨૫,૩૭૨ હેકટર જમીનમાં વિવિધ ઉનાળું પાકોનું વાવેતર થયું હતું તેવી જાણકારી આપતાં જિલ્લાના નાયબ ખેતી નિયામક નીતિન વસાવાએ જણાવ્યું કે આ વર્ષે પણ ઉપલબ્ધ જળ સ્ત્રોતોના આધારે ઉનાળું પાકોનું વાવેતર ખેડૂતોએ શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં ૧૦,૦૦૪ (દશ હજાર ચાર) હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે જે ક્રમશઃ વધવાની શક્યતા છે.

વઢવાણા તળાવ અને નર્મદાના પાણીના પ્રતાપે જિલ્લામાં ૧૫૦૦ હેકટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થયું છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે આ પૈકી ડભોઇ તાલુકામાં ૧૦૩૧ હેકટર, વાઘોડિયામાં ૪૯૮ હેકટર તેમજ સાવલી અને વડોદરા તાલુકામાં ડાંગર વવાઈ છે જ્યારે તમામ તાલુકાઓમાં થઈને ૧૮૭૨ હેક્ટરમાં બાજરી પકવવામાં આવી રહી છે જેમાં પાદરા તાલુકામાં ૮૭૮ હેકટર, સાવલીમાં ૨૯૨ હેકટર અને વાઘોડિયામાં ૨૩૫ હેક્ટરનો સમાવેશ થાય છે.

Advertisement

જિલ્લામાં કરજણ એવો તાલુકો છે જ્યાં બાજરી, મકાઈ, મગ, અડદ, મગફળી, તલ, શેરડી અને શાકભાજીનું વિવિધતાભર્યું વાવેતર થયું છે અને આ તાલુકામાં બારમાસી બાગાયત પણ જોવા મળે છે. જિલ્લામાં ઉનાળુ મકાઈના ૯૨ હેકટર જેટલા વાવેતર પૈકી ૮૨ હેકટર કરજણમાં છે. કરજણમાં ૫૧ હેક્ટરમાં શેરડી, ૦૨ હેક્ટરમાં અડદ, ૦૧ હેક્ટરમાં મગફળી વવાઇ છે. તો ડુંગળીનું વાવેતર માત્ર વાઘોડિયા તાલુકામાં ૨૫ હેક્ટરમાં થયું છે. ૬ તાલુકાઓમાં ૧૪૦ હેકટર જમીનમાં ઉનાળુ મગનું વાવેતર લહેરાય છે. ઉનાળામાં પશુધનના નિભાવ માટે લીલો ઘાસચારો અગત્યનો બને છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ૪૨૫૦ હેક્ટરમાં ઘાસચારો વાવવામાં આવ્યો છે. જ્યારે શાકભાજીનું વાવેતર પણ તમામ તાલુકાઓમાં કુલ ૧૯૫૮ હેક્ટરમાં થયું છે જેમાં શાકવાડી તરીકે જાણીતો પાદરા તાલુકો મોખરે છે. આમ, જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં પાદરામાં ૨૮૧૭, ડભોઇમાં ૨૨૭૪,વાઘોડિયામાં ૧૫૩૯ અને પાદરામાં ૧૩૫૬ જ્યારે બાકીના તાલુકાઓમાં ૧ હજાર હેકટરથી ઓછી જમીનમાં ઉનાળું પાકો લહેરાઈ રહ્યાં છે.


Share

Related posts

રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ નો એવોર્ડ સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીક પોલીસની સઘન કામગીરી નજરે પડી હતી.

ProudOfGujarat

ભરૂચ : આગામી મોહરમના તહેવાર નિમિત્તે નબીપુર સહિત પો.સ્ટે. વિસ્તારમાં આવતા કેટલાક ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!