ભરૂચમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ જિલ્લામાં ૨૮ અને શહેરમાં ૯ કલેક્શન સેન્ટર અને ૦૮ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે
પક્ષી બચાવવા ફોરેસ્ટ વિભાગ અને વિવિધ ટ્રસ્ટો કાર્યરત થયા : છેલ્લા સાત વર્ષમાં દોરીથી ૧૫૬ પક્ષીઓના મોત, ૮૨૬ ઈજાગ્રસ્ત : ૨૦૨૫માં સૌથી વધુ ૩૬ પક્ષીઓના મોત અને ૧૪૨ ઈજાગ્રસ્તને સારવાર મળી
ભરૂચ
ભરૂચમાં પતંગની દોરીથી છેલ્લા સાત વર્ષમાં ૯૮૨ પક્ષી ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૧૫૬ થી વધુ પક્ષીઓના મોત થયાં છે. વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ૩૬ પક્ષીઓનાં મોત અને ૧૪૨ ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અપાઈ હતી. જિલ્લામાં ઉતરાયણના દિવસોમાં પક્ષી બચાવમાં ફોરેસ્ટ વિભાગ અને વિવિધ ટ્રસ્ટો દ્વારા હેલ્પલાઈનના નંબરો જાહેર કરાયા છે.
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ ઉડાડવાની મજા છે, પરંતુ પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય નહીં તેની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા સહિતની કાળજી લેવા માટે ફોરેસ્ટ વિભાગના ડીએફઓ સુ.શ્રી.ભાવના દેસાઈએ અપીલ કરતા કહ્યું કે, દોરીમાં વધુ કાચનો આગ્રહ લોકોએ ટાળવો જોઈએ, રાત્રિના સમય ટુક્કલ ચઢાવી જોઈએ નહીં, ફટાકડા પણ ના ફોડવા જોઈએ. સવાર ૯.૦૦થી સાંજના ૫.૦૦ પતંગ ચગાવવા હિતાવહ છે. પર્વમાં ઘાયલ પક્ષીઓને સારવાર મળે તે માટે હેલ્પ લાઈન નંબરનો અચૂક ઉપયોગ કરવો, પક્ષીને લોહી નીકળતું હોય તે જગ્યાએ રૂ મૂકીને સારવાર કેન્દ્રમાં લઇ જવું જોઈએ. દોરીના ગૂંચડાં કે કોઇ પણ જગ્યાએ લટકતી દોરીઓ દૂર કરાય તો પક્ષીઓને ઇજાગ્રસ્ત થતાં બચાવી શકાશે.
ભરૂચ જિલ્લામાં કરુણા અભિયાન ૨૦૨૬ માટે ૧૯૬૨ હેલ્પ લાઇનની ૪ એમ્બ્યુલન્સ કાર્યરત છે જ્યારે ભરૂચ શહેરમાં ૧ એમ્બ્યુલન્સ કાર્યરત છે. ભરુચ જિલ્લામાં ૨૮ અને શહેરમા ૯ કલેક્શન સેન્ટર અને ૮ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે ૧૫ તબીબો કાર્યરત રહેશે. આ કાર્યમાં ૫૫ જેટલા વનકર્મીઓ જોડાશે તેમજ ૧૧ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે. ભરૂચ શહેરમાં ૪૯ તથા જિલ્લામાં ૧૦૧ સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છેકે, આપણી દોરી અને આપણી મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. ઉપરોક્ત આંકડાઓ જીવદયા પ્રેમીઓની સામે આવતાં પક્ષીઓના છે, શહેર અને જિલ્લામાં લોકોની સામે ન આવતાં એવા કેટલા પંખીઓ હશે જે દોરીમાં ફસાઈને જીવ જતો હશે. આથી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જરૂરી બની જાય છે.
