Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.

Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. જમીનની ફળદ્રુપતા, જનઆરોગ્ય અને પર્યાવરણ બચાવવા હશે તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. આપણે આપણી જવાબદારી સમજીને પ્રાકૃતિક ખેતી જ કરીએ અને ગુજરાતને પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનાવવાનો નિર્ધાર કરીએ, એમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.

છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કરતાં પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અલગ તરી આવે છે એ અંગે તર્કબદ્ધ વાતો કરી ખેડૂતોને રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી તથા પ્રાકૃતિક ખેતી વચ્ચેની ભેદરેખાની વિગતે સમજ આપી હતી.
પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંનેના યોગ્ય સંકલનથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાંથી વધુ ઉપજ મેળવી વધુ આવક મેળવી શકશે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પશુપાલન પણ કરે છે. ગુજરાત સરકાર પશુધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલએ પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેનાથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિ એ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનના ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને અસંખ્ય મિત્રજીવો જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે એમ કહી દ્રષ્ટાંતો સહિત સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે. વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સારામાં સારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ તેમના કલસ્ટરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સમજ આપીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળશે તેમને સરકાર તરફથી દર મહિને વળતર પણ ચૂકવવામાં આવશે.

Advertisement

રાજ્યપાલએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શાવી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જીલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા બે ખેડૂતોએ તેમના અનુભવોનો નિચોડ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ રજૂ કર્યો હતો. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતપેદાશો પ્રદર્શિત કરતા માહિતીપ્રદ પ્રદર્શન પણ યોજયું હતું. રાજયપાલશ્રીએ આ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઇ ખેતપેદાશોને નિહાળી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલું ‘છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનની સફળવાર્તા’ નામના પુસ્તકનું વિમોચન પણ રાજયપાલશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે કરવામાં આવી રહેલી કામગીરીનો વિગતે છણાવટ કરી હતી. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે આટોપી હતી.

કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, નિવાસી અધિક કલેકટર આર.કે.ભગોરા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, બોડેલી પ્રાંત મૈત્રીદેવી સિસોદીયા, નાયબ કલેકટર અમીત ગામીત, નાયબ ખેતી નિયામક જે.ડી.ચારેલ, નાયબ બાગાયત નિયામક હસમુખ પરમાર, ખેતીવાડી અધિકારી કૃણાલ પટેલ, કાર્યપાલક ઇજનેર એચ.સી.વસાવા, કાર્યપાલક ઇજનેર રાણા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, આત્મા પ્રોજેકટના અધિકારી/કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

અંકલેશ્વરમાં અગ્નિતાંડવ : યુપીએલ કંપનીમાં આગ લાગતા પાંચ કામદારો દાઝયા, એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

કોરાનાનાં કારણે પાલેજ બંધ પણ લોક સેવાનો મહાયજ્ઞ કાર્યરત.

ProudOfGujarat

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!