Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના પ્રસ્તુત કરશે.

Share

ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો’ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.

જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ પાલ-દઢવાવની આ ઐતિહાસિક ઘટના શું છે ? :

Advertisement

આજથી 100 વર્ષ પહેલાંની આ વાત તા. 7 મી માર્ચ 1922. ગુજરાતના અંતરિયાળ વિસ્તાર – સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, દઢવાવ, ચિતરીયાના ત્રિભેટે હેર નદીના કાંઠે ભીલ આદિવાસીઓ જમીન મહેસુલ વ્યવસ્થા, જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકત્ર થયા હતા. આદિવાસી બહુમતીવાળા કોલિયારી ગામમાં, વણિક પરિવારમાં જન્મેલા શ્રી મોતીલાલ તેજાવત કરુણા, આત્મીયતા અને નિર્મળ પ્રેમના ગુણો ધરાવતા સાહસિક અને સ્વાભિમાની વ્યક્તિ હતા. આદિવાસીઓ પર થતા બેસુમાર અત્યાચાર અને શોષણના વિરોધમાં તેમનામાં સંવેદનાની સરવાણી ફૂટી હતી. સત્ય, વફાદારી, સમર્પણ અને વિશ્વાસ જેવા તેમના સદ્ગુણો આદિવાસીઓનેે સ્પર્શી ગયા હતા. આદિવાસી કિસાનોમાં એકતા માટે, તેમનામાં રહેલા સામાજિક દુષણોને નાથવા માટે શ્રી મોતીલાલ તેજાવતે પ્રયત્નો કર્યા હતા. બ્રિટિશ તંત્ર અને દેશી રજવાડાઓને શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભીલ આદિવાસીઓની એકતા અને પ્રવૃત્તિઓ વિઘાતક લાગી હતી.

1919 ની 13 મી એપ્રિલે પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં 600 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી. 1920 માં કલકત્તામાં પૂ. ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી દીધી હતી. સમગ્ર દેશમાં આઝાદીના સંગ્રામનાની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લીની ગિરિમાળાઓમાં ખુમારીભર્યું જીવન જીવતા ભીલ આદિવાસીઓમાં પણ અંગ્રેજો અને સામંતોના શોષણ, આકરા કરવેરા તથા વેઠપ્રથા સામે વિરોધનો સૂર પ્રગટ્યો હતો.

હોળીના દિવસો નજીક હતા તે દિવસે આમલકી અગિયારસ હતી. ‘કોલિયારીના ગાંધી’ તરીકે ઓળખાતા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો મેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા. ત્યાં જ મેવાડ ભીલ કોર્પ્સ (એમ. બી. સી.) નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા. એમ.બી.સી. ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી. સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. લગભગ 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા. આદિવાસીઓના નર્તન અને ઢોલના નાદ મશીન ગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા. લડાઈના મેદાનની જેમ આખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું. બાજુમાં આવેલા ઢેખડીયા કુવા અને દુધિયા કૂવા 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા. શ્રી મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી, તેમના સાથીદારો તેમને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા. આજે પણ આ વિસ્તારના આદીવાસીઓ પોતાના લગ્ન ગીતોમાં આ ઘટનાના ગાણા ગૌરવભેર ગાય છે. જલિયાંવાલા બાગની ઘટનાના ત્રણ વર્ષ પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બનેલી આ ભીષણ ઘટનાને ઇતિહાસે ભૂલાવી દીધી હતી, પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઇતિહાસના આ પૃષ્ઠને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું હતું. આજે આ વિસ્તારમાં શહીદ સ્મૃતિ વન અને શહીદ સ્મારક આ હત્યાકાંડના સાક્ષી સમા ઉભા છે.

‘ગુજરાતના આદિવાસી ક્રાન્તિવીરો’: ગુજરાતના આ ટેબ્લોની વિશેષતા શું છે? :

પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર પ્રસ્તુત થનારા ગુજરાતના 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરો પર અંગ્રેજોના અંધાધૂંધ ગોળીબારની ઘટનાને પ્રસ્તુત કરવામાં આવી છે. આદિવાસી નાગરિકો જેને ‘કોલીયારીનો ગાંધી’ કહે છે તે શ્રી મોતીલાલ તેજાવતનું સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ ટેબ્લોની ગરિમા વધારે છે. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નનું સ્ટેચ્યુ પણ શિલ્પકલાનું બેનમૂન ઉદાહરણ છે. આ ઉપરાંત ટેબ્લો પર અન્ય છ સ્ટેચ્યુ છે. ટેબ્લો પર છ લાઈવ આર્ટિસ્ટ પણ હશે, જે સ્ટેચ્યુ સાથે ઓતપ્રોત થઈને પોતાના જીવંત અભિનયથી ઘટનાની ગંભીરતાનો આબેહૂબ ચિતાર રજૂ કરશે. ટેબ્લોની ફરતે પાંચ મ્યુરલ છે. શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વયસમા આ મ્યુરલ આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરે છે. ટેબ્લો પર બન્ને તરફ બે કુવા છે, ઢેખળીયો કૂવો અને દુધિયો કુવો કે જે શહીદ આદિવાસીઓની લાશોથી ભરાઈ ગયા હતા તેનું નિરુપણ કરે છે. ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિની મિશાલ આપતા ચાર આદિવાસી ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે. ચાર ફૂટ ઊંચા આ સ્ટેચ્યુ સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસીઓના શૌર્ય, સાહસ અને સમર્પણને ઉજાગર કરે છે.

સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી નાગરિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઉદ્દેશથી દેવને માટીના ઘોડા ભક્તિભાવપૂર્વક અર્પણ કરે છે. માટીકલાના વિશિષ્ટ નમૂનારૂપ વિશેષ પ્રકારના આ ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ છે. ટેબ્લોની બન્ને તરફ આવા બે-બે ઘોડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના જ આદિવાસી કલાકારો નવી દિલ્હીમાં પરંપરાગત ગેરનૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત પોશાકોમાં સજ્જ આ 10 જેટલા આદિવાસી કલાકારો પોશીના તાલુકાના છે. પોતાના પૂર્વજોના બલિદાનની આ અભૂતપૂર્વ ઘટનાની પ્રસ્તુતિમાં તેઓ પણ પોતાનું યોગદાન આપશે. સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક પ્રસ્તુત થશે. આદિવાસી કલાકારો આ સંગીત સાથે ગેર નૃત્યની પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં પાલ-દઢવાવના આદિવાસીઓની શૌર્યગાથાનું વર્ણન કરતાં ગીતો આજે પણ આ વિસ્તારમાં આદિવાસીઓ લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકબોલીમાં ગાય છે અને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ કરે છે. શ્રી મોતીલાલ તેજાવતને ‘કોલીયારી નો વાણિયો ગાંધી’ જેવું સંબોધન કરતું આદિવાસીઓએ જ લોકબોલીમાં ગાયેલું ગીત પણ ટેબ્લો સાથે પ્રસ્તુત કરાશે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ પ્રસ્તુત કરાતા આ ટેબ્લોના નિર્માણમાં સચિવ અવંતિકાસિંઘ, માહિતી નિયામક શ્રી ડી. પી. દેસાઈ અને વિષય નિષ્ણાત, ઇતિહાસકાર-લેખક વિષ્ણુભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી અને નાયબ માહિતી નિયામક હિરેન ભટ્ટ યોગદાન આપી રહ્યા છે. ટેબ્લોનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે. આઝાદીની સુવર્ણ જયંતીના આ અવસરે, આજે 100 વર્ષ પછી ગુજરાતના આદિવાસીઓનો સ્વાધિનતા સંગ્રામ પ્રજાસત્તાક પરેડના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ રહ્યો છે એ જ આઝાદી માટે શહીદ થઈ ગયેલા ગુજરાતના આદિવાસીઓને સાચી શ્રદ્ધાંજલિ છે.


Share

Related posts

માંગ૨ોળ ઉમ૨૫ાડાના મુખ્ય માર્ગોના નવીનીક૨ણ માટે રાજ્ય સરકારે રૂા.૨૦ ક૨ોડ મંજૂર કર્યા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં સભાખંડમાં મિટિંગનું આયોજન કરી સર્વાનુમતે વરણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા : સોસાયટીની મહિલાઓ દ્વારા ગાર્ડનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!