Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ સિંહ દિવસ – મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં વિશ્વસિંહ દિવસ-૨૦૨૩ની ગરિમામય ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉજવણીમાં બાયસેગના માધ્યમથી સહભાગી થયેલી ૭૪ તાલુકાઓની ૭ હજાર ઉપરાંત શાળાઓ, વન્યપ્રાણી પ્રેમી નાગરિકો, સ્વૈચ્છિક સંગઠનોને રાજ્ય સરકારે સિંહ સંરક્ષણ માટે લીધેલા પગલાઓની વિસ્તૃત વિગતો આપી હતી.

વનમંત્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ રોહન ત્રિવેદીના દિગ્દર્શનમાં એકતા જન્મય ચોકસીએ કરેલું છે. પાર્થ તાજપરાના શબ્દોને બ્રીજરાજ ગઢવીએ કંઠથી અને નિશિત મહેતાએ સંગીત બદ્ધ કર્યા છે.

Advertisement

સિંહના રિયલ ટાઈમ લોકેશન અને તેની મૂવમેન્ટ અંગેની જાણકારી લોકો આપી શકે તે માટે વન વિભાગે તૈયાર કરેલી ‘સિંહ સૂચના વેબ એપ’ નું લોન્ચિંગ તેમજ ડૉ. સક્કિરા બેગમના પુસ્તક ‘ધ કિંગ ઓફ ધ જંગલ – એશિયાટિક લાયન ઓફ ગીર’ તથા અરવિંદ ગોસ્વામીના પુસ્તક ‘હું ગીરનો સાવજ’ નાં વિમોચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગીરના સિંહ પ્રત્યે વિશેષ લગાવ છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી લાયન એટ ૨૦૪૭-વિઝન ફોર અમૃતકાળના લક્ષ્ય સાથે લાયન પ્રોજેક્ટ શરૂ થયો છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ માટે ૨૯૦૦ કરોડની ફાળવણી વડાપ્રધાનએ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સિંહો માટે બ્રીડિંગ સેન્ટર, આઇસોલેશન સેન્ટર, રેડિયોકોલર, ડ્રોનનો ઉપયોગ અને સિંહ સારવાર કેન્દ્રમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું આયોજન આ પ્રોજેક્ટ અંતર્ગત થવાનું છે.વન વિભાગના વણથક પ્રયત્નો અને લોક ભાગીદારીથી સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધી છે. સિંહની વસ્તીમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે અને ૨૦૧૦માં ૪૧૧ સિંહ હતા તે વધીને ૨૦૨૦માં ૬૭૪ થયા છે. એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ ગીર ઉપરાંત ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વિસ્તારો મળીને કુલ ૩૦ હજાર ચોરસ કિલોમીટરનો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરમાં સિંહને મુક્તપણે વિહરતા જોવા સિંહ દર્શન માટે આવનારા પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે 8 લાખે પહોંચી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, સાસણગીર ખાતેના સફારી પાર્કમાં થઈ રહેલા પ્રવાસીઓના વધારાના ભારણને ઘટાડવા ગીરના પૂર્વ વિસ્તાર એવા ઉના તાલુકાના નાળીયા માંડવી ખાતે નવીન સફારી પાર્ક રાજ્યના બજેટમાં મંજુર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે વ્યાપક લોક સહયોગની અપેક્ષા દર્શાવતા સૌને તે માટે પ્રતિબદ્ધ થવા આહવાન પણ કર્યું હતું.
આ ઉજવણીમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, વન-પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક ચતુર્વેદી, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વાઈલ્ડ લાઈફ) શ્રીવાસ્તવ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, આમંત્રિતો ગાંધીનગરથી મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.


Share

Related posts

પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ સાથે ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયા

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના વડીયા ગામે રોયલ સન સીટી ફેસ-૩ર ના મકાનમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

વાલીયા થી નારેશ્વર એસટી બસ સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!