Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાદરા તાલુકાના રાજૂપુરાના ખેડૂત આત્માના માધ્યમથી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી છે.

Share

ગયા વર્ષે કરજણ અને પાદરા તાલુકા સહિતના વિસ્તારોના ખેડૂતો કપાસના પાકમાં એક વિચિત્ર બીમારીથી મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. તેમના લીલાછમ કપાસના પાન એકાએક ફાટીને ખાટી ભિંડીના પાન જેવા થઈ ગયા હતા અને ઘણા ખેડૂતોને કપાસ કાઢી નાંખવો પડ્યો હતો. તેવા સમયે પાદરા તાલુકાના રાજૂપુરા ગામના ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતી કરતા જયેન્દ્રભાઈ પટેલના ખેતરના કપાસને આ બીમારી અડકી શકી ન હતી અને તેમનો પાક સલામત રહ્યો હતો. તેમનું કહેવું છે કે ગૌમૂત્રમાંથી બનાવેલા પ્રવાહી જીવામૃત અને ખાટી છાશે મારા કપાસ માટે સંજીવનીનું કામ કર્યું.

૧૫ વિંઘાના આસામી જયેન્દ્રભાઈને જ્યારે ખેતીનો વારસો મળ્યો ત્યારે મોટેભાગે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની મદદથી ખર્ચાળ ખેતી થતી હતી.મોંઘા તત્વોને લીધે મળતર ઘટતું હતું અને જમીન કસ વગરની બની રહી હતી. તેમને ખેડૂત કલ્યાણ સંસ્થા આત્મા પાસેથી સાત્વિક અને ઓછા ખર્ચવાળી પહેલા સેન્દ્રીય અને પછી સંપૂર્ણપણે ગૌ દ્રવ્યો પર આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ મળ્યો. તેમણે સુભાષ પાલેકર દ્વારા પ્રચલિત કરવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની તાલીમ માલસરની શિબિરમાં લીધી અને ખેડૂત તરીકેની કોઠાસૂઝથી ગાયના ગોબર, મૂત્ર, ગાયના દૂધની ખાટી છાશ અને શેઢા પાળેથી મફત મળતી આંકડા જેવી કડવી પણ ગુણકારી વનસ્પતિઓની મદદથી પ્રવાહી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી, ખર્ચાળ રાસાયણિક ખાતરો અને મોંઘી તથા ઝેરી જંતુનાશક દવાઓના વિકલ્પે તેનો ઉપયોગ કરીને નજીવા ખર્ચવાળી ખેતી શરૂ કરી અને સારું પરિણામ મેળવ્યું છે. આજે તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રખર પ્રચારક બની ગયા છે અને અન્ય ખેડૂતોને આ ખેતી અપનાવવાનું માર્ગદર્શન આપે છે. તેઓ કહે છે કે ઉતાવળે આંબા ન પાકે તેમ પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં ધીરજ રાખવી પડે તેનું કારણ આ ખેતી ખામીવાળી છે એવું નથી પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ વપરાશથી નબળી અને કશહિન બની ગયેલી જમીન છે એમ તેમનું કહેવું છે. ગાયના છાણ અને ગોબર તેમજ ગાયના દૂધની ખાટી છાશની મદદથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતના ઉપયોગથી બે ત્રણ વર્ષમાં જમીન પોંચી છીદ્રાળું અને કસદાર બને છે, જમીનમાં સારા બેક્ટેરિયા અને અળસિયા વધે છે અને તે પછી નહિવત ખર્ચે સવાયું ઉત્પાદન મળે છે.

તેઓ કહે છે કે મારી પાસે ત્રણ ગાય અને બે વાછરડી છે જેના છાણ અને ગૌમુત્રથી હું ૧૫ વિંઘાના પાકોને આપું તો પણ વધે એટલું જીવામૃત થાય છે. હું મારી જરૂરિયાત કરતા વધારાનું છાણ અને ગૌ મૂત્ર અન્ય ખેડૂત મિત્રોને આપુ છું અને તેમને આ ખર્ચ વગરની, સાત્વિક અને તંદુરસ્ત ખેતી તરફ વાળવા પ્રયત્ન કરું છું. કપાસના પાકમાં ગૌમૂત્ર અને ખાટી છાશના દ્રાવણના છંટકાવથી સફેદ માખી, લીલી પોપટી, પાનમાં કથીરીયા, ગેરૂઆ જેવી જીવાતોનો ઉપદ્રવ લગભગ ઘટી ગયો તેની સાથે મોટો અને આડકતરો ફાયદો એ થયો કે તેની ગંધથી ખૂબ નુકશાન કરનારા ભૂંડ આવતા અટકી ગયા. આ ગંધથી ફૂદાં આવતા નથી એટલે ઈયળ પણ થતી નથી. તેઓ પ્રાકૃતિક ખેતીથી જીવાતમુક્ત કપાસ, મગ, ઘઉં, રીંગણનો પાક લે છે. હાલમાં બ્રોકોલી પણ વાવી છે. તેમણે આ ક્ષેત્રના કર્મશીલ ભરતભાઈ પરસાણાને અનુસરીને મગ અને ઘઉંમાં પોષણ વધારવા પ્રમાણસર ગાયનું દૂધ, કાળો ગોળ અને પાણીનું દ્રાવણ છાંટ્યું તો ફૂલ વધ્યા અને છોડ તંદુરસ્ત થયો. ખાટી છાશ, હિંગનું પાણી અને ગૌમૂત્રના દ્રાવણના છંટકાવથી જીવાતમુક્ત રીંગણનો પાક ઉતર્યો. તેઓ કહે છે કે મારે ખેતી માટે બહારથી કશું લાવવું પડતું નથી અને હું આત્મનિર્ભર બન્યો છું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જે યોજનાઓ અમલમાં મૂકી છે તે ખૂબ સારી છે. ગાય ઊછેરને પ્રોત્સાહિત કરતી યોજના હેઠળ માસિક રૂ.૯૦૦ પ્રમાણે એક ગાય માટે વાર્ષિક રૂ.૧૦૮૦૦ નિભાવ ખર્ચ આપવામાં આવે છે.અન્ય યોજનાઓ પણ છે જેનો લાભ લેવો જોઈએ.તેઓ કૃષિ સભાઓમાં પોતાની ખેતી અને પ્રયોગોનું માર્ગદર્શન આપે છે.સરકારે તેમને પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે સિક્કિમ મોકલ્યા હતા. પ્રાકૃતિક ખેતી અંગે તેઓ કહે છે કે ધીરજના ફળ મીઠાં એ કહેવત આ ખેતીને લાગુ પડે છે. આત્મા અને અન્ય સંસ્થાઓનું માર્ગદર્શન લઈ,સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ અને ગાયને પાળી, સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ લઇ આ ખેતી કરનારાને નિરાશ નહિ થવું પડે.

Advertisement

Share

Related posts

સુરત : સગીર યુવતીને ધમકી આપી ભગાડી જનાર યુવકને સુરત ચોક બજાર પોલીસે પાટણ ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સાંઈ યુવક મંડળ તરફથી ઇંટનાં ભથ્થા પર કામ કરતાં મજૂરોને વઘારેલી ખીચડી અને છાશનું વિતરણ કર્યું.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાત ઇમ્પેક્ટ : ભરૂચ એસ. ઓ. જી. એ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવતું કૌભાંડ ઝડપી પાડયું : કામગીરીમાં હજુ પણ ઢીલાસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!