માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે કાર્યરત જી.આઈ.પી.સી.એલ.કંપનીમાં જમીન ગુમાવનારા અસરગ્રસ્ત ખેડૂતોને ફલાયેશ જથ્થો નહીં ફાળવવામાં નહીં આવતા કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન આંદોલન કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ કંપનીના જવાબદાર અધિકારીએ ફરિયાદ નોંધાવતાં માંગરોળ પોલીસે ૧૬ જેટલા ખેડૂતોની ધરપકડ કરતાં મામલો ગરમાયો હતો.
નાનીનરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ કંપનીમાં નાની નરોલી ગામના ખેડૂતોએ જમીન ગુમાવી છે. જીઆઈપીસીએલ કંપની હાલ વીજળીનું ઉત્પાદન કરી રહી છે.ત્યારે કોલસાની વેસ્ટ ગણાતી ફલાયેશ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી હતી. ફલાયેશનો ઉપયોગ ખેડૂતો ઇંટ બનાવવામાં કરે છે.જેનાથી ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે અને અન્ય લોકોને રોજગારી આપે છે. કંપની દ્વારા હાલમાં અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય પ્રકારે ફલાયેશનો લાભ આપવામાં આવતો નથી. અન્ય ગ્રાહકોની જેમ તેઓને ક્રમ અનુસાર ફલાયેશ આપવામાં આવે છે. જેથી જમીન ગુમાવનારા અસરગ્રસ્ત ખેડૂતો યોગ્ય પ્રકારે ફલાયેશનો જથ્થો આપવામાં આવે તેવી માગણી સાથે છેલ્લા બે દિવસથી કંપની સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને ગતરોજ તેમણે ફલાયેશ ભરેલી અન્ય ગ્રાહકોની બે ટ્રકોને કંપનીના ગેટ ઉપર અટકાવી હતી તેમજ ૩૦ થી ૩૫ જેટલા ખેડૂતો કંપનીના અન્યાય સામે કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી રહ્યા હતાં. ત્યારે કંપનીના જવાબદાર અધિકારી દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. આ સંદર્ભમાં સિક્યુરિટી સુપરવાઇઝર ભરતભાઇ તિવારી એ માંગરોળ પોલીસ મથકમાં ખેડૂતોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ દ્વારા ૧૬ જેટલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.જેથી નાની નરોલી ગામના ખેડૂતોમાં કંપની વિરુદ્ધ તીવ્ર આક્રોશ ફેલાયો હતો.ગામના ખેડૂતો પોલીસ મથક ખાતે આવ્યા હતા અને ખેડૂતોને થઇ રહેલા અન્યાય તેમજ ધરપકડ કરાયેલા ખેડૂતો નિર્દોષ હોવાની રજૂઆતો કરી હતી.પરંતુ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ