Proud of Gujarat
GujaratFeaturedINDIA

Modi@68: ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલાં નરેન્દ્ર દેશનાં પ્રથમ PM, જાણો વડનગરથી દિલ્હી સુધીની કેવી રહી સફર…

Share


સૌજન્ય-DB- RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે 68 વર્ષનાં થયા. 17 સપ્ટેમ્બર, 1950નાં રોજ જન્મેલા PM મોદીનું નાનપણ ગુજરાતના વડનગરમાં સામાન્ય પરિવારમાં વીત્યું છે. નરેન્દ્ર મોદી પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં ત્રીજું સંતાન છે.

એનડીના નામથી જાણીતા નરેન્દ્ર મોદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. 1998માં ભાજપ માટે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારક તરીકે કામ કરતાં મોદી આજે દેશના વડાપ્રધાન અને પાર્ટીના તારણહાર છે. ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મોદી દેશમાં અને વિદેશમાં પણ વિવાદોમાં રહી ચુક્યાં છે. ત્યારે મોદીના 68માં જન્મદિવસનાં રોજ જાણીએ તેમના નાનપણથી લઈને વડાપ્રધાન સુધીની સફર…

Advertisement

નાનપણ કર્યું હતું ચેરિટી નાટક
– નાનપણથી જ સાહસિક નરેન્દ્ર મોદી વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું ઘરે પકડીને લાવ્યાં હતા.
– મોદી કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા.
– નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરની બી.એન.સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે.
– સ્કૂલમાં અભ્યાસ દરમિયાન મોદીએ તેમના મિત્રો સાથે સ્કૂલની દીવાલના નિર્માણ માટે ચેરિટી નાટક પણ ભજવ્યું હતું.

કટોકટી સમયે છુપા વેશે રહ્યાં હતા નરેન્દ્ર મોદી
– શાળાકીય અભ્યાસ વતનમાં પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.
– તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટી સમયે નરેન્દ્ર મોદીએ ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તક લખ્યું હતું.
– આ ઉપરાંત ઈમરજન્સી સમયે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યાં હતા અને તેઓએ પાઘડી પહેરી શીખનો છૂપો વેશ પણ ધારણ કર્યો હતો.
– મોગીના પાદરી. મેન્ચપ વકીલ સાહેબ હતા જેઓ તેમને RSSમાં લાવ્યાં હતા.
– મોદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે સમયે વર્ષ 1978થી RSSના એક પ્રચારકની જવાબદારી પણ સંભાળતા હતા.

1995માં મોદીની સ્ટ્રેટેજીએ અપાવી હતી જીત
– નાનપણથી જ રાજકારણમાં રસ દાખવતાં મોદીને સંઘ દ્વારા વર્ષ 1985માં સક્રિય રાજકારણમાં જવાનું કહેવાયું હતું. જે બાદ તેઓ વર્ષ 1987માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા.
– માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તરે વરણી કરવામાં આવી હતી.
– નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
– મોદીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા અને કન્યાકુમારીથી કાશ્મીરની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.
– 1990માં મોદીની નેશનલ ઈલેકશન કમિટિના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
– 1995માં મોદીની ઈલેકશન સ્ટ્રેટેજીને પગલે જ ભાજપને ગુજરાત વિધાનસભામાં જીત મળી હતી.
– 1995માં જ મોદીને ભાજપના નેશનલ સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
– ગુજરાતમાં ખજુરાહો કાંડ બાદ મોદીના રાજકીય ગુરૂ શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી દૂર થતાં મોદીને પણ થોડાં સમય માટે ગુજરાત છોડવું પડ્યું હતું.
– 1998ની ચૂંટણીમાં પાર્ટીને ભવ્ય સફળતા મળતા મોદીને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતા.

રાજકોટથી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી હતી
– 7 ઓક્ટોબર, 2001નાં રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
– જોકે મોદીના શાસનકાળમાં ગોધરાકાંડે ભારે વિવાદ સર્જયા હતા. અને એક સમયે તો તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને રાજધર્મ નિભાવવા અંગે ટકોર કરી હતી.
– ગોધરા કાંડના પગલે એક સમયે અમેરિકાએ પણ તેમના વિઝા નકાર્યા હતા.
– 2007માં ઈન્ડિયા ટુડેના સર્વેમાં મોદી સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે ઉભરી આવ્યાં હતા.
– 2012ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
– 2012માં ગુજરાતમાં મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.
– 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોદી માસ્કનો ઉપયોગ કર્યાં બાદ 2012ની ચૂંટણીમાં મોદીએ થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરી સભાઓ ગજવી હતી.
– માર્ચ 2013માં નરેન્દ્ર મોદીની ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.
– જૂન 2013માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા

આઝાદી પછી જન્મેલાં દેશના પ્રથમ PM એટલે મોદી
– 2014માં લોકસભામાં મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. અને મોદી દેશના 15માં વડાપ્રધાન તરીકે 26 મે, 2014નાં રોજ શપથ લીધા.
– મોદી 2014ની લોકસભા ચૂંટણી બે બેઠક પરથી લડ્યા હતા. જેમાં વારણાસીની બેઠક પર તેમની સામે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને વડોદરાની બેઠક પર મધુસુદન મિસ્ત્રી ચૂંટણી લડ્યા હતા.
– વડાપ્રધાન બન્યાં બાદ મોદીએ સૌપ્રથમ ભૂટાનનો પ્રવાસ કર્યો હતો.
– 2014માં મોદી ફોર્બ્સની સૌથી શક્તિશાળી નેતાઓની યાદીમાં 15માં સ્થાને રહ્યાં હતા.
– મોદીની લોકપ્રિયતાને જોઈને 2016માં લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મીણનું પૂતળું મુકાયું હતું.
– મોદી શાસનને હાલ પાંચ વર્ષ પૂરાં થવા આવી રહ્યાં છે. ત્યારે 8 નવેમ્બર, 2016નાં રોજ જાહેર કરેલી નોટબંધી અને 1લી જુલાઈ 2017નાં રોજ દેશભરમાં GSTના નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
નરેન્દ્ર મોદી ભારતનાં પ્રથમ એવાં વડાપ્રધાન છે જેઓ આઝાદી પછી જન્મયાં છે.

PM Narendra Modi turn 68 years today


Share

Related posts

નડીયાદ ખાતે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નેત્રંગ : ગાંધીબજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળાના પ્રાંગણમાં પેવર બ્લોક લગાવવા બાબતે લેખિત રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : નબીપુરના NRI પનોતા પુત્ર દ્વારા ગામમાં વિકાસના કાર્યો કરતાં ગ્રામ પંચાયત દ્વારા દાનવીરના પિતાનું કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!