Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાનાં વેજલપુર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે શુભારંભ કરાવ્યો.

Share

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પિયત માટે દિવસે વીજપુરવઠો પૂરો પાડવા હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કા અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં શુભારંભ સમારોહ યોજાયો હતો.

કાલોલ તાલુકાના 11 ગામના ખેડૂતોના 201 ખેતી વિષયક વીજ જોડાણોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવાની આ યોજનાનો શુભારંભ કરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પિયત માટે દિવસે વિજળી આપવાનો આ નિર્ણય ઉર્જાક્ષેત્રે જ્યોતિગ્રામ યોજના બાદ બીજો ઐતિહાસિક નિર્ણય બની રહેશે. ઉર્જાક્ષેત્રે રાજ્યે સાધેલી પ્રગતિની રૂપરેખા આપતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાજનોને 24 કલાક વિજળીની સવલત આપવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું છે. ગ્રામજનોને અનિયમિત વિજળીના પરિણામે પડતી મુશ્કેલીઓ સમજી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં શહેરી વિસ્તારની જેમ ગામડાઓમાં પણ ૨૪ કલાક વીજળી આપવાનો નિર્ધાર કર્યો અને ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ્યોતિગ્રામ યોજના હેઠળ દેશમાં સૌપ્રથમ ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આ ક્રાંતિને આગળ વધારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કિસાનભાઈઓને પિયત માટે દિવસે વિજળી પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જેના પરિણામે હવે ખેડૂતમિત્રોએ રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે, જંગલી પશુઓ કે જીવજંતુઓનો ડર નહીં રહે તેમજ તેમની ઉત્પાદકતા વધશે. ખેડૂતહિતમાં સરકાર દ્વારા કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત વાર્ષિક 6 હજારની સીધી સહાય, ઝીરો પ્રિમિયમ પર પાક વીમો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સાત પગલા ખેડૂત કલ્યાણના સહિતની યોજનાઓ અંગે વાત કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી, સમયસર વીજ પુરવઠો અને ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકારે સુનિશ્ચિત કરી છે. કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે બે વર્ષમાં સમગ્ર રાજ્યના 18 હજારથી વધુ ગામોને 3500 કરોડથી વધુના ખર્ચે દિવસે 8 કલાકથ્રી ફેઝ વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે ઉર્જાક્ષેત્રે વિકાસની આ યાત્રા સરળ નથી રહી. સરકારે એક સમયે ખોટ કરતા ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ (GEB)ને ખોટનાં ખાડામાંથી બહાર લાવી ગુજરાતને વીજ ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. આ અગાઉ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. એમ.જી.વી.સી.એલ, વડોદરાના અધિક્ષક ઈજનેર દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યપાલક ઈજનેર, હાલોલ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી અશ્વિનભાઈ પટેલ, કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન, માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, બેઢિયાના સરપંચ તેમજ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, તાલુકા વિકાસ અધિકારી સહિત એમ.જી.વી.સી.એલ.ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાલના તબક્કે જિલ્લાના 7 તાલુકાના 613 ગામો પૈકી કુલ 118 અને કાલોલ તાલુકાના 67 ગામો પૈકી 11 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કાલોલ તાલુકામાં 66 કે.વી. ભાદ્રોલીના નારણપુરા ફીડર હેઠળ આવતા 10 ગામો તેમજ ખરસાલિયા ફીડર હેઠળ આવતા 1 ગામને આવરી લેવાયા છે. અન્ય તાલુકાઓની વિગત જોઈએ તો ગોધરા તાલુકામાં 41 ગામ, મોરવા હડફ તાલુકાના 18 ગામ, શહેરા તાલુકાના 12 ગામ, ઘોઘંબા તાલુકાના 11 ગામ, હાલોલ તાલુકાના 13 ગામ, જાંબુઘોડા તાલુકાના 12 ગામ મળીને કુલ 118 ગામને કિસાન સર્વોદય યોજના અંતર્ગત હાલના તબક્કે આવરી લેવાયા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના કસક વિસ્તારમાં ફિલ્મી સ્ટંટ ભજવાયું….જાણો વધુ.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાત ઇમ્પેક્ટ : ભરૂચ એસ. ઓ. જી. એ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવતું કૌભાંડ ઝડપી પાડયું : કામગીરીમાં હજુ પણ ઢીલાસ…

ProudOfGujarat

ભરૂચ : દેવસુતી અગિયારસથી દુગ્ધાભિષેક અને વિધિવત પૂજન કરી માછીમાર સમાજે સિઝનનો પ્રારંભ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!