Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાવાગઢ ખાતે આઠમા નોરતે મહાઆરતી યોજાઇ : 1100 દિવડાઓથી માતાજીની આરતી કરાઈ.

Share

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે નવરાત્રીના પ્રત્યેક દિવસે ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્થિત મા જગદંબાના વિશેષ સ્થાનો પર મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવરાત્રિના આઠમા નોરતે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં મહાઆરતી અને ગરબા મહોત્સવ યોજાયો હતો, જેમાં જાણીતા ગાયક કલાકાર ઓસમાન મીર અને ડિમ્પલ પંચોલીએ ગરબાની ભાવસભર પ્રસ્તુતિ કરી હતી. 1100 દિવડાઓ સાથે કન્યાઓનાં જૂથ દ્વારા મહાકાળી માતાની આરતી કરવામાં આવી હતી.

આ અવસરે મંત્રીએ જણાવ્યું કે ગરબા દ્વારા માતાજીની ભાવપૂર્ણ આરાધના કરવાની ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન માટે રાજ્યના વિવિધ પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીના નવેય દિવસ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કોવિડની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આઠમના પાવન દિવસે માની મહાઆરતીમાં સામેલ થવાનો અવસર મળવા માટે આનંદ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન, નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતના યાત્રાધામો વિશ્વફલક પર મૂકાયા છે તેમજ શ્રદ્ધાળુઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓનો વિકાસ થયો છે. મહાઆરતી કાર્યક્રમ પ્રકારના આયોજનોથી કલાકારોને પણ તેમની કલા રજૂ કરવાનો સુંદર અવસર મળે છે તેમ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. કોરોનારૂપી સંકટમાંથી લઘુત્તમ નુકસાન સાથે ઉગારવા માતાજીને પ્રાર્થના કરતા મંત્રીએ વેક્સિનેશનની બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારનાં પ્રયાસોને હકારાત્મક પ્રતિસાદ આપવા અને રસી મૂકાવી પોતાની જાતને અને સમાજને સુરક્ષિત કરવા અપીલ કરી હતી.

આ ઉપરાંત, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના મહત્તમ માનવીઓ સુધી પહોંચે તે પ્રકારે પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે સરકાર યાત્રાધામોનો ઉત્કૃષ્ટ અને સંતુલિત વિકાસ કરવા, આપણી સાંસ્કૃતિક ધરોહરો-પરંપરાઓને સંરક્ષિત રાખવા કટિબદ્ધ છે અને મા મહાકાળીના ધામ પાવાગઢનો વિકાસ એ વાતની સાબિતી છે. કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ શક્યું નહોતું ત્યારે સરકારે કોરોના સામે જરૂરી સાવચેતીઓ રાખી મહાઆરતીના સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે સંબંધિત વિસ્તારમાં પ્રવાસનના વિકાસમાં પણ ઉપયોગી સાબિત થશે તેમ જયદ્રથસિંહ પરમારે ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં ઓસમાણ મીર અને ડિમ્પલ પંચોલીની ટીમે ગરબા ભજનની રમઝટ બોલાવતા પંખીડા રે તું ઉડીને જાજે…, મન મોર બની થનગાટ કરે…, મોતી વેરાણા ચોકમાં… સહિતની પ્રસ્તુતિઓ કરી ઉપસ્થિતજનોનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વન સંરક્ષક એમ. મીણા, એસડીએમ હાલોલ એ.કે.ગૌતમ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રવાસન અધિકારી સનાતન પંચોલી ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં મધ્યમાં આવેલ હજીખાના બજારમાં જર્જરીત મકાન ધરાશાયી

ProudOfGujarat

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

ProudOfGujarat

સિધ્ધાર્થ બંગ્લોઝ ખાતે એક લાખ કરતા વધુની મતાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!