કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટીવ દર્દીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઉભા કરાયેલાં ઓક્સિજનવાળા બેડની મુલાકાત લીધી હતી.
તે વેળાએ ફરજ પરનાં તબીબો સાથે કોરોના પોઝિટીવ દર્દીઓ કેટલાં છે. ડોર-ટુ ડોર સર્વેલન્સ દરમિયાન સામાન્ય લક્ષણો ધરાવનાર દર્દીઓ- કોરોના પોઝિટીવ દર્દીઓ કેટલાં મળી આવે છે, તબીબી સ્ટાફ કેટલો છે તેમજ ગામ લોકોનો સહયોગ મળી રહે છે કે કેમ જેવી બાબતો પર જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી. તદઉપરાંત દેડીયાપાડા ખાતે નવનિર્મિત પામેલ નવાં સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની પણ મુલાકાત લઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ પલસાણાએ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેન્ટ્રલ ઓક્સિજનવાળા નવા ઉભા કરાયેલાં બેડ, સાગબારાના કોવિડ કેર સેન્ટર સહિતની મુલાકાત દરમિયાન કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને અપાતા ભોજન, માસ્ક, સેનીટાઇઝેશન વગેરેની ઉપલબ્ધિ અંગે પણ ફરજ પરનાં તબીબો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તેની સાથોસાથ સાગબારા તાલુકાની આંતરાજ્ય ધનશેરા ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતાં મુસાફરોનું થઇ રહેલું ચેંકીગ, આરોગ્યતંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની પણ પુછપરછ કરી હતી.
પલસાણાની ઉક્ત મુલાકાત દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક મનોજ શર્મા, નાનસિંગભાઇ વસાવા ઉપસ્થિત રહયાં હતાં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા