Proud of Gujarat
FeaturedGujarat

થોડી નજર ઊંચી કરીને એ શરમાઈ ગઈ,જાણે જન્મોજનમના બંધનમાં બંધાઈ ગઈ…

Share

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સાંજનો સમય છે અને ઘરમાં પરિવારના સભ્યો ભોજન કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ઘરની બહાર સંન્યાસી આવીને ભિક્ષા માંગી રહ્યા છે. સંન્યાસીનો અવાજ સાંભળતાની સાથે નાનકડો રોહન પોતાની થાળીમાં પીરસવામાં આવેલું ભોજન લઇ સંન્યાસીને પ્રેમથી જમાડે છે. રોહન ઉંમરમાં નાનો હોવા છતાં સંન્યાસી સાથે ગંભીરતાથી વાતચીત કરી રહ્યો છે અને સંન્યાસીને આગ્રહપૂર્વક ભોજન કરાવી રહ્યો છે. ભોજન કર્યા બાદ સંન્યાસી તૃપ્ત થાય છે અને રોહનને તમામ મનોકામના પૂર્ણ થાય તેવા શુભ આશિષ આપે છે. રોહન તેના માતા પાસેથી થોડા પૈસા લઈ સંન્યાસી મહારાજને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપે છે. નાનકડા રોહનની સંન્યાસી પ્રત્યેની નિષ્ઠા જોઈ પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. સંન્યાસી જ્યારે ઘરેથી વિદાય લે છે તે પછી જ રોહનનો પરિવાર સાથે બેસીને ભોજન ગ્રહણ કરે છે અને જ્યારે રોહનને પૂછવામાં આવે છે કે સંન્યાસીને ભોજન ઉપરાંત દક્ષિણા કેમ આપી હતી ત્યારે રોહન કહે છે કે આ આપણી પરંપરા છે જે મેં ઘરમાં જોયું છે તેનું જ અનુકરણ કર્યું છે. નાનકડા રોહનનો આ જવાબ સાંભળીને પરિવારના સભ્યો પણ ખૂબ જ હરખાઈ જાય છે. નાનપણથી જ રોહન લાડકોડથી ઉછેર્યો છે અને તેની બધી માંગણીઓ પરિવાર દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. રોહન પણ પરિવારના લોકોની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે અને મન લગાવીને શાળામાં શિક્ષણ મેળવી રહ્યો છે. રોહન ધોરણ 10 સુધી ગામની શાળામાં શિક્ષણ મેળવે છે અને બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શહેરમાં ઉચ્ચ શિક્ષણ માટે જાય છે. રોહનના ઘરની બાજુમાં ક્રિષ્ના નામની નટખટ યુવતી રહે છે. ક્રિષ્ના અભ્યાસની સાથે થોડી મસ્તી પણ કરી રહી છે. ક્રિષ્ના તેના પરિવારમાં એક જ દીકરી હોવાથી લાડકોડમાં ઉછરી રહી છે. ક્રિષ્ના જ્યારે જીદ કરે ત્યારે પરિવારના સભ્યોએ હંમેશા નમતું જોખવું પડે છે. ક્રિષ્ના પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી રહી છે અને હોશિયાર હોવાથી શિક્ષકોને લાડલી પણ બની જાય છે.

Advertisement

ગામડામાં રહેતો રોહન શહેરમાં શિક્ષણ મેળવી રહ્યો છે પરંતુ રોહન શહેરની ભાગદોડવાળી જિંદગીનો પ્રભાવ પોતાના પર પડવા દેતો નથી. રોહનને અભ્યાસમાંથી જેવો થોડો અવકાશ મળે કે તરત જ પોતાના ઘરે આવી જાય છે. સમયની સાથે કદમ મિલાવી રોહન ચાલી રહ્યો છે અને ધોરણ12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી હવે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તો આ બાજુ ક્રિષ્ના ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી આગળનો અભ્યાસ કરી રહી છે. ક્રિષ્નાનું સ્વપ્ન એન્જિનિયર બનવાનું હોવાથી ધોરણ 10 પછી તે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવે છે. હવે રોહન કોલેજના અભ્યાસમાં વ્યસ્ત બની જાય છે. તો આ બાજુ ક્રિષ્ના એન્જિનિયર બનવાનું પોતાનું સપનું સાકાર કરવા માટે મહેનત કરી રહી છે. ત્રણ-ચાર વર્ષમાં રોહનનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થઇ જાય છે અને ક્રિષ્નાનું ડીપ્લોમા એન્જિનિયર બનવાનું સપનું સાકાર થઈ જાય છે. રોહન હવે કોલેજના ઉચ્ચ અભ્યાસની સાથે નોકરી કરવાનું વિચારી રહ્યો છે ત્યારે પરિવારના સભ્યો રોહનને નોકરીના બદલે ફક્ત અભ્યાસમાં ધ્યાન આપવાનું કહે છે. રોહન અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી ગામમાં પોતાના નાનપણના મિત્ર મહેશના લગ્નમાં આવે છે. મહેશના લગ્ન માટેની મોટાભાગની જવાબદારી રોહન અને તેના મિત્રો ઉપાડી લે છે. મહેશના લગ્નમાં રોહન રાત્રે રાસ ગરબાના કાર્યક્રમમાં ક્રિષ્નાને જુએ છે અને ક્રિષ્ના તરફ આકર્ષાય છે. હવે રોહનનું ધ્યાન રાસ ગરબાના કાર્યક્રમના બદલે ક્રિષ્ના તરફ વધુ છે. રોહન એક જ નજરથી ક્રિષ્ના તરફ જોઈ રહ્યો છે. થોડીવારમાં ક્રિષ્નાને ખબર પડી જાય છે કે રોહન તેની સામે જોઈ રહ્યો છે. રોહન ક્રિષ્નાની પાસે જાય છે ત્યારે ક્રિષ્ના થોડી નજર ઉંચી કરીને રોહનને જોઈને શરમાઈ જાય છે અને રોહન મનોમન ક્રિષ્ના સાથે જન્મોજનમના બંધનમાં બંધાઈ ગયો હોય તેઓ અહલાદક અનુભવ કરે છે. રાસ ગરબાનો કાર્યક્રમ પૂરો થયા પછી રોહન અને ક્રિષ્ના એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરે છે અને પ્રેમની શરૂઆત સાથે પોતાના ઘરે જવા માટે છુટા પડે છે. રોહન અને ક્રિષ્નાની આ મુલાકાત રાત્રે બંનેને શાંતિથી સુવા દેતી નથી અને આખી રાત પોતાનો મોબાઈલ દ્વારા મેસેજ થી વાત કરી રહ્યા છે. વહેલી સવારમાં બન્ને તૈયાર થઈને ગામના પાદરમાં આવેલા મંદિરમાં સાથે દર્શન કરવા માટે જાય છે અને થોડા સમય માટે પ્રેમથી વાત કરે છે. હવે રોહન અને ક્રિષ્ના સમય મળે ત્યારે મોબાઈલ પર લાંબા સમય સુધી વાતચીત કરી રહ્યા છે. બન્ને પ્રેમમાં કેટલા બધા ગળાડૂબ થઈ જાય છે કે હવે એક ક્ષણ માટે પણ જુદા પડવું બંનેને ગમતું નથી. બન્ને મહત્તમ સમય સાથે વ્યતિત કરવા લાગ્યા છે અને પોતે કાયમ આ રીતે જ સાથે રહી શકે તે માટે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. રોહન અને ક્રિષ્ના બંને સાથે મળીને પોતાના પ્રેમ અંગે પરિવારને જાણ કરવાનું નક્કી કરે છે. પરંતુ ક્રિષ્ના થોડો સંકોચ અનુભવે છે અને થોડી ડરી રહી છે ત્યારે રોહને કહ્યું કે આપણે પ્રેમ કર્યો છે કોઈ પાપ નથી કર્યું. રોહનના સમજાવાને કારણે ક્રિષ્નાની હિંમત વધે છે અને તે ઘરે જઈને રોહન સાથેના પ્રેમ અંગે વાત કરે છે. તો આ બાજુ રોહન પણ પોતાના પરિવારમાં ક્રિષ્ના સાથેના પ્રેમની વાત કરે છે. બંને પરિવારો શરૂઆતમાં તો આ રીતે પ્રેમલગ્નની સ્પષ્ટ ના પાડી દે છે પરંતુ થોડી સમજાવટના કારણે બંને પરિવારો રોહન અને ક્રિષ્ના લગ્ન કરવા માટે રાજી થઈ જાય છે. થોડા મહિનાઓમાં જ ક્રિષ્ના અને રોહનના લગ્નની તિથી નક્કી કરવામાં આવે છે. રોહન અને ક્રિષ્ના લગ્નની ખરીદી કરવા માટે સાથે શહેરમાં જઈ રહ્યા છે અને તેમની સાથે મદદ કરવા માટે મહેશ જોડાયો છે. રોહન અને ક્રિષ્ના જે ખરીદી કરી રહ્યા છે તેનો સામાન મહેશ ઉપાડી રહ્યો છે ત્યારે ક્રિષ્ના મજાકમાં કહે છે કે મહેશ તારા લગ્નના કારણે અમારા લગ્ન થઈ રહ્યા છે તો તારે અમારો સામાન તો ઉપાડવો જ પડશે. મહેશ કહે છે કે મારા લગ્નની તમામ જવાબદારી રોહને ઉપાડી હતી એટલે રોહનના લગ્નની બધી જવાબદારી મારી છે. રોહન અને ક્રિષ્નાના ગામમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. એકબીજાની નજરો મળવાને કારણે શરૂ થયેલો પવિત્ર પ્રેમ આજે જન્મોજનમના બંધનમાં બંધાઈ રહ્યો છે અને સાચા પ્રેમની જીત થઈ રહી છે ત્યારે બંને પરિવારો સહિત સમસ્ત ગામના લોકો પણ હરખાઈ રહ્યા છે. રોહન અને ક્રિષ્નાને પરિવારના સભ્યો વડીલો અને ગામના લોકો આશીર્વાદ આપી રહ્યા છે. આજ સમયે નાનકડા રોહને જે સંન્યાસીને ભિક્ષા આપી હતી એ સંન્યાસી લગ્ન મંડપની બહાર આવીને ઉભા રહે છે અને ભિક્ષાની માંગણી કરી રહ્યા હોય છે ત્યારે અચાનક રોહનની નજરએ બુઢા સંન્યાસી પર પડે છે. રોહન ક્રિષ્નાને લઈને સંન્યાસી પાસે જાય છે અને વંદન કરે છે. રોહન સંન્યાસી મહારાજનો હાથ પકડી મંડપમાં લઈ આવે છે અને જે રીતે નાનપણમાં પ્રેમથી સંન્યાસીને ભોજન કરાવ્યું હતું એ જ પ્રેમ ભાવથી ભોજન કરાવી રહ્યો છે. ભોજન બાદ રોહન લગ્નની ભેટમાં આવેલ પૈસામાંથી સંન્યાસીને મોટી દક્ષીણા આપે છે ત્યારે સંન્યાસી દક્ષિણામાંથી એક રૂપિયો પોતાની પાસે રાખે છે અને બાકીના પૈસા ક્રિષ્નાના હાથમાં આપી દે છે. રોહનના આગ્રહ છતાં સંન્યાસી વધુ દક્ષિણા લેવા માટે તૈયાર થતા નથી. રોહનની સેવાથી સંન્યાસી ખૂબ જ પ્રસન્ન થાય છે અને રોહન ક્રિષ્નાને તમામ મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપીને વિદાય લે છે. સંન્યાસીની વિદાય બાદ રોહન અને ક્રિષ્ના ભોજન ગ્રહણ કરે છે. થોડીવારમાં સાંજનો સમય થતાં ક્રિષ્નાને પિયરમાંથી વિદાય આપવામાં આવે છે. ક્રિષ્ના હવે પિયરમાંથી સાસરે આવી ગઈ છે અને રોહનની સાથે ખુશીથી જીવન વ્યતિત કરી રહી છે.


Share

Related posts

વડોદરાની ખાનગી સોસાયટીઓને 20% ફાળા સાથે આંતરિક સ્ટ્રીટલાઇટ અપાશે

ProudOfGujarat

આવતી કાલે ગુજરાતમાં મતદાન – ચૂંટણી કાર્ડ ના હોય તો પણ થઈ શકે છે મતદાન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઉજવણી સરકારી કચેરીઓ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!