Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ઉભા કરાયેલા રેતીના ઢગલાઓમાં નિયમ જળવાય છે ખરા?

Share

ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનીજ સંપત્તિની ભેટ આપી છે. તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેત ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. બેફામ બનેલા ખનીજ માફિયાઓ ખોબેખોબે અને સરેઆમ નિયમોનો ભંગ કરીને ખનીજ સંપત્તિ લુંટી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા છતાં આ વાત જાણે તંત્રના બહેરા કાને અથડાઇને પાછી પડતી હોવાનો અહેસાસ જનતાને થઇ રહ્યો છે. નર્મદાના પટમાંથી બહાર લવાતો રેતીનો જથ્થો ઠેરઠેર ઢગલાઓના રુપમાં સંગ્રહ થયેલો દેખાઇ રહ્યો છે. રેતીનો જથ્થો જ્યાં સ્ટોક કરવાનો હોય તે જગ્યા ખરેખર બિનખેતીની એન.એ. થયેલી હોવી જોઇએ તેમજ સ્ટોક કરવાની રેતીમાં રોયલ્ટી પણ ભરાયેલી હોવી જોઇએ ઉપરાંત રેતીનો કેટલો જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી લીધેલ છે, આ બધા નિયમો યોગ્ય રીતે જળવાય તોજ તે જગ્યા ખેતી સિવાયના અન્ય ઉપયોગમાં લઇ શકાય. પરંતું આજે ઝઘડિયા તાલુકાના ગ્રામિણ વિસ્તારો સહિત ધોરીમાર્ગો નજીક ઘણાં સ્થળોએ રેતીનો સ્ટોક કરતા ઢગલાઓ નજરે પડી રહ્યા છે. સામાન્યરીતે રેત માફિયાઓ પર અંકુશ રાખવા માટે જિલ્લામાં ખાણખનીજ વિભાગ ક‍ાર્યરત છે, ઉપરાંત તાલુકાના અધિકારીઓ, પોલીસ તંત્ર તેમજ સંબંધિત ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ પણ આ માટે સક્ષમ ભુમિકા નિભાવવાની હોય છે.

આ બાબતે જરુરી નિયમો જળવાય છે ખરા? એ પ્રશ્ન આજે તાલુકામાં મહત્વના સ્થાને ગણાય છે. સામાન્યરીતે ગ્રામ પંચાયતોની હદમાં થતી કોઇપણ જાતની પ્રવૃત્તિ માટે ગ્રામ પંચાયતના હોદ્દેદારો તદ્દન નિકટના સ્થાને ગણાય એ સ્વાભાવિક છે, ત્યારે જેતે ગ્રામ પંચાયતોની હદમાં આવા રેતીના ઢગલા ઉભા કરાયા હોય તે બાબતે યોગ્ય નિયમો જળવાયા છે ખરા કે નહિ, તે જોવાની જેતે ગ્રામ પંચાયતની ફરજ ગણાય. ખાણખનીજ વિભાગના અધિકારીઓ પણ જાણે આ બાબતે ચુપકિદી સેવતા હોવાની લોક ચર્ચાઓ પણ ઉઠે છે. પરંતું જાણે કોના બાપની દિવાળી…..એ ઉક્તિને સાકાર કરતા આવા પરિબળો બેફામ બને ત્યારે તેમની સાથે જવાબદાર તંત્રની સાઠગાંઠ હોવાની શંકાઓ જાગે તે સ્વાભાવિક ના ગણાય તો બીજું શું ગણાય? ખાણખનીજ વિભાગ તાકીદે સઘન ચેકિંગ હાથ ધરી આ બાબતે જે કોઇ લાલિયાવાડી ચાલતી હોય તે દુર કરાવે તેવી તાલુકાની જનતામાં માંગ ઉઠવા પામી છે. નહિતો આ બાબતનો ચોક્કસ આરટીઆઇના માધ્યમથી પર્દાફાસ કરાય તો પણ નવાઇ નહિ ગણાય !

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

એક્ઝિટ પોલ સામે ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ સવાલો ઉઠાવ્યા, કહ્યું ચોક્કસ સેટિંગ કર્યું હોય તેમ લાગે છે..

ProudOfGujarat

ભરૂચ : ખેતરોમાં શાકભાજી સડી ગઈ છે અને નગરોમાં શાકભાજી મોંધી કેમ ?

ProudOfGujarat

જર્મનીમાં રજાઓ માણી રહેલી અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!