પ્રેમના દુશ્મનના ષડયંત્ર ને માત આપીને આખરે નિમા અને મનિષના સાચા પ્રેમની જીત થઇ

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા

સુર્યોદય થવાની તૈયારી છે અને પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નિકળી રહ્યા છે. ચારેબાજુ સવારમાં પક્ષીઓનો મધુર કલરવ સંભળાઇ રહ્યો છે. મંદિરોમાં ઘંટનો રણકાર સંભળાઇ રહ્યો છે અને ભગવાનના અનેક ભક્તોની સાથે અમદાવાદ શહેરની વૈભવી જીવન શૈલી જીવતી નિમા પણ દર્શનાર્થે મંદિરમાં આવી છે. નિમા ભગવાન પાસે બીજુ કંઇ નથી માંગતી પરંતુ સારો પતિ મળે તેવી મનોમન પ્રાર્થના કરી રહી છે. મંદિરેથી નિમા ધીરે પોતાના ઘરે આવે છે માતાને કામકાજમાં મદદરૂપ બને છે. અચાનક જ નિમાની નજર ઘડીયાળ પર જાય છે અને બોલી ઉઠે છે કે મારે તો કોલેજ જવામાં મોડુ થઇ ગયુ, બાકીનું કામકાજ તમે કરજો. કામકાજ તો હું કરી લઇશ પરંતુ બેટા તું થોડો નાસ્તો કરીને જા, આમ ભુખ્યા પેટે ન જવાય તેમ નિમાની માતાએ કહ્યુ. મારા ભાગનો નાસ્તો તમે કરી લેજો તેમ કહીને નિમા થોડુ પાણી પી ને ઘરેથી કોલેજ જવા માટે રવાના થાય છે. પરંતુ નિમાની માતાને તેની દિકરીની સતત ચિંતા થયા કરે છે કે દિકરીની ઉંમર પરણાવા લાયક થઇ ગઇ છે અને તેમ છતાં પણ હજુ તેની હરકતો બાળક જેવી છે. યુવાન દિકરીની માતાની ચિંતા વ્યાજબી છે પરંતુ નિમા ઘરમાં જ બાળક જેવુ વર્તન કરે છે અને કોલેજમાં બહાદુર છોકરી બનીને ફરી રહી છે તે વાતથી પરીવાર અજાણ છે.
નિમાના સૌદર્યની કોલેજના દરેક છોકરાઓના મોઢે વખાણ સાંભળવા મળી રહ્યા છે અને કોલેજનું છેલ્લુ વર્ષ હોવા છતાં અનેક યુવકોએ પ્રયત્નો કરવા છતાં પણ નિમાને પ્રેમમાં પાડવામાં સફળ થયા નથી. ત્યારે કોલેજ કેમ્પસમાં બેઠેલા કેટલાક ટીખળી યુવાનો રોહન નામના વિદ્યાર્થીને ઉશ્કેરે છે અને નિમાને પ્રપોઝ કરવાનું કહે છે. રોહન નિમાની રાહ જોઇને કોલેજ કેમ્પસમાં બેસી રહે છે અને જેવી નિમા ક્લાસરૂમની બહાર નિકળે છે કે તરત જ રોહન તેની પાસે પહોંચી જાય છે અને પ્રેમનો પ્રસ્તાવ મુકે છે. નિમા કંઇ પણ પ્રતિક્રિયા આપતી નથી અને મૌન રહીને આગળ ચાલતી રહે છે. રોહન કહે છે કે નિમા તું મારા પ્રેમનો સ્વીકાર કરીશ તો હું તને મહેલોની રાણીની જેમ રાખીશ. છતાં પણ નિમા કોઇ જવાબ આપતી નથી. પરંતુ રોહન જ્યારે એમ કહે છે કે તારી આજુબાજુ જોવા મળતો મનિષ કોલેજ પુરી થયા પછી તને છોડીને બીજી યુવતી સાથે લગ્ન કરી લેશે ત્યારે નિમાએ મોટા અવાજમાં કહ્યુ કે, તું મારા વિશે અત્યાર સુધી જે કાંઇ પણ બોલ્યો તે મે સાંભળી લીધુ છે પરંતુ મનિષ વિશે હું એક પણ શબ્દ નહી સાંભળુ. તું કોણ છે મને મારા મનિષ વિશેનો અભિપ્રાય આપવા વાળો. રોહને ફરી કહ્યુ કે, મનિષને પૈસાની જરૂર છે, તે કોલેજની સાથે નોકરી પણ કરી રહ્યો છે અને પૈસા માટે છોકરી પણ બદલી શકે છે. આ સાંભળતાની સાથે જ મનિષ એક પણ શબ્દ બોલ્યા વગર રોહનને થપ્પડ લગાવી દે છે ત્યારે રોહન કહે છે આ થપ્પડ તમારા પ્રેમને મોંઘી પડશે. તારાથી થાય તે કરી લેજે તેમ નિમાએ કહ્યુ અને રોહન સીધો મિત્રોની સાથે કોલેજ કેમ્પસની બહાર નિકળી જાય છે. પરંતુ રોહન કોલેજમાં થયેલા અપમાનનો બદલો લેવાનું નક્કી કરે છે અને મિત્રો સાથે મળીને નિમા તથા મનિષના પ્રેમને બદનામ કરવા માટે ષડયંત્રો રચવાનું શરૂ કરે છે. રોહન થોડા દિવસો પછી સીધો નિમાના ઘરે પહોચી જાય છે અને નિમાના પિતાજી સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે. થોડો સમય વાતચીત ચાલ્યા પછી રોહન કહે છે કે આપની દિકરી પરણાવા લાયક થઇ ગઇ છે અને જો તમે તમારા પરીવારની ઇજ્જત બચાવવા માંગતા હોય તો તેને ઝડપથી કોઇ સારો છોકરો શોધીને પરણાવી દો. ત્યારે નિમાના પિતાજીએ કહ્યુ કે તમે ઘર ભુલ્યા લાગો છો, મારી દિકરી પણ મને પુરો વિશ્વાસ છે કે તે એવુ કોઇ જ કામ નહી કરે કે જેના કારણે પરીવારને નીચુ જોવુ પડે. જો તમને મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે કોલેજ પાસે આવેલી રેસ્ટોરન્ટમાં મારી સાથે આવો અને હું તમને તમારી નિમાને તેના પ્રેમી સાથે બેઠેલી બતાવીશ. આખરે નિમાના પિતાજી રોહન સાથે રેસ્ટોરન્ટમાં જવા માટે તૈયાર થાય છે. તો આ બાજુ નિમા અને મનિષ કોલેજનો આજના દિવસનો અભ્યાસ પુર્ણ કરીને નાસ્તો કરવા માટે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જાય છે પરંતુ રોહનના મિત્રો યોજના પુર્વક નિમા અને મનિષની સાથે રહેલા મિત્રોને એક પછી એક રેસ્ટોરેન્ટની બહાર બોલાવે છે તથા સતત વાતોમાં મસગુલ રાખે છે. નિમા અને મનિષ પ્રેમથી વાતો કરતા કરતા નાસ્તો કરી રહ્યા છે. મનિષ કહે છે કે આપણે બન્નેએ હવે પરીવારને આપણા સબંધ વિશે વાત કરી લેવી જોઇએ ત્યારે નિમા કહે છે કે હું તો આજે જ મારા પિતાજીને મળવા માટે તને લઇ જઇશ. આ જ સમયે રોહન નિમાના પિતાજીને સાથે લઇને રેસ્ટોરન્ટમાં આવે છે અને કહે છે કે જુઓ આપની વિશ્વાસુ દિકરી તેના પ્રેમીની સાથે બેસીને મૌજ માણી રહી છે. આ સાંભળીને નિમાના પિતાજીની આંખો શરમથી ઝુકી જાય છે અને તે એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી બહાર નિકળી જાય છે. નિમા અને મનિષ પણ નાસ્તો બાજુ પર મુકીને બહાર આવે છે અને નિમા તેના પિતાજીને કહે છે કે આજે હું તમને મળવા માટે મનિષને સાથે લઇને આવવાની જ હતી પરંતુ રોહને અમને અલગ પાડવા માટે યોજના પુર્વક આપને અહી બોલાવ્યા છે. પિતા અને નિમા વચ્ચે ઘણા સમય સુધી ઉગ્ર ચર્ચા ચાલી રહી છે અને મનિષ વચ્ચે બોલવા જાય છે ત્યારે નિમાના પિતા મનિષને કહે છે કે આ અમારા પરીવારનો પ્રશ્ન છે તારે આમા કાંઇ બોલવાની કે બચાવ કરવાની કઇ જરૂર નથી. મનિષે કહ્યુ કે આ મારી જીંદગીનો પ્રશ્ન છે અને તમે રોહનને નથી ઓળખતા કે તે કેવા ષડયંત્રો રચી શકે છે. હવે નિમાના પિતા અને મનિષ વચ્ચે ઝગડો થવાની તૈયારી હોય છે ત્યારે રોહન ત્યાથી યુક્તિ પુર્વક નિકળી જાય છે. રોહન તેના મિત્રો સાથે કોલેજ કેમ્પસમાં આવે છે અને ખુશીથી બધા મિત્રોને કેન્ટીનમાં લઇ જઇને આઇસક્રીમ ખવડાવે છે. પરંતુ મનિષ એ વાત જાણે છે કે રોહન જ્યારે પણ ખુશ થાય છે ત્યારે તે મિત્રોને કોલેજમાં આઇસક્રીમ ખવડાવે છે એટલે તે નિમાના પિતાજીને કોલેજમાં સાથે આવવા માટે વિનંતી કરે છે પરંતુ નિમાના પિતાજી કોલેજમાં આવવાની સ્પષ્ટ ના પાડી દે છે. આખરે નિમાના કહેવાથી પિતાજી કોલેજમાં સાથે આવે છે અને મનિષના કહેવા મુજબ કેન્ટીનની બહાર છુપાઇને ઉભા રહે છે. મનિષને કેન્ટીનમાં આવતો જોતાની સાથે જ રોહન આઇસક્રીમ લઇને મનિષ પાસે પહોચી જાય છે અને કહે છે કે હું તમને અલગ પાડવાની ખુશીમાં બધાને આઇસક્રીમ ખડાવી રહ્યો છુ પરંતુ તને કેન્ટીનમાં લાચાર હાલતમાં જોઇને મારી ખુશી બવડાઇ ગઇ છે. મનિષે કહ્યુ સાચા પ્રેમની ક્યારેય હાર થતી નથી ત્યારે રોહને કહ્યુ કે આજે મારી યુક્તી સામે તારો પ્રેમ હારી ગયો છે. આ સાંભળતાની સાથે જ નિમાના પિતાજી કેન્ટીનમાં આવે છે અને રોહનને કહે છે કે સાચા પ્રેમની ક્યારેય હાર થતી નથી અને તારા જેવા પ્રેમના દુશ્મનના ષડયંત્રો પ્રેમ સામે હારતા આવ્યા છે અને આજે તું પણ હારી ગયો છું. હવે રોહન એક શબ્દ પણ બોલી શકતો નથી. નિમાના પિતાજી કોલેજની કેન્ટીનમાં અનેક વિદ્યાર્થીઓની વચ્ચે નિમાનો હાથ મનિષના હાથમાં સોંપે છે અને કહે છે કે કાયમ પ્રેમથી સાથે રહેશો તો દુનિયાની કોઇ તાકાત તમને ડરાવી કે હરાવી શકશે નહી.

– નીલકંઠ વાસુકિયા

LEAVE A REPLY