ભરૂચ : ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા મુશળધાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડ્રોન દૃશ્યોમાં ખેતરો દૂર-દૂર સુધી પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા, જે વરસાદથી સર્જાયેલા નુકસાનની ગંભીરતા દર્શાવે છે.
સતત વરસાદ અને ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાના કારણે કેળ, તુવેર તેમજ વિવિધ લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જ્યારે બિયારણમાં ફૂગ લાગી જતાં પાક બચાવવાની આશા પણ ધૂંધળી બની છે.
પાક બરબાદ થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે ફરીથી વાવણી કરવા માટે વધારાનો ખર્ચ પણ તેમના માથે આવી પડ્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વધતા ખર્ચના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારને તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા, યોગ્ય વળતર જાહેર કરવા અને પુનઃ વાવણી માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આ નુકસાનમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે અને આગામી ખેતી પર પણ તેની ગંભીર અસર પડશે.
