ભરૂચ શહેરના વડદલા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિ ઓનલાઈન રોકાણના નામે ₹78.11 લાખની સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ઈન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ વોટ્સએપ મારફતે સંપર્કમાં આવેલી એક અજાણી વ્યક્તિએ પોતાને “આલીશા દેસાઈ, યુકે” તરીકે ઓળખાવી USDT ટ્રેડિંગમાં મોટો નફો મળવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.
ફરિયાદ મુજબ, વર્ષ 2025 દરમિયાન નિવૃત્ત વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે એક અજાણી આઈડી પરથી તેમની સાથે વાતચીત શરૂ થઈ હતી. બાદમાં વોટ્સએપ પર સંપર્ક થતાં સામેની વ્યક્તિએ ઓનલાઈન Coin-Ex પ્લેટફોર્મ પર USDT ટ્રેડિંગ દ્વારા ભારતીય ચલણમાં પણ રોકાણ કરી સારો નફો મળતો હોવાનો દાવો કર્યો હતો. વિશ્વાસ જમાવવા માટે તેણે પોતાના નફાના સ્ક્રીનશોટ પણ મોકલ્યા હતા.
શરૂઆતમાં ફરિયાદી પાસેથી ₹10 હજારનું રોકાણ કરાવ્યા બાદ તેમને ₹17 હજાર અને ત્યારબાદ ₹35 હજારનો નફો બતાવી તે રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવી હતી. આથી વિશ્વાસ વધતા તેઓએ વધુ રોકાણ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ પ્રોફિટ રિલીઝ, ટેક્સ, સર્વિસ ચાર્જ સહિતના વિવિધ બહાના બતાવી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹79 લાખથી વધુની રકમ જમા કરાવવામાં આવી હતી.
વચ્ચે-વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે તે માટે કુલ ₹96 હજાર પરત આપવામાં આવ્યા હતા, પરંતુ આખરે નિવૃત્ત વ્યક્તિને ₹78.11 લાખની આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ઓનલાઈન ઠગાઈ આચરનાર ટોળકીના સગડ મેળવવા તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની લાલચમાં આવી ઓનલાઈન રોકાણ ન કરવા અને કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તેની સત્યતા ચકાસવાની અપીલ પણ કરી છે.
