ભરૂચ :
જંબુસર તાલુકાના કરમાડ ગામે રસ્તા પર થયેલા દબાણોના મુદ્દે વણકર અને રોહિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની બંને બાજુ શેડ, છાપરાં તેમજ વાહનોનું પાર્કિંગ કરીને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દબાણો દૂર કરવાની માંગ કરી છે.
સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, રસ્તા પરના દબાણોને કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દરમિયાન આ મુદ્દે અવારનવાર વિવાદ અને બોલાચાલીની સ્થિતિ સર્જાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમસ્યાના નિરાકરણ માટે અગાઉ મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ સમાજના આગેવાનોએ કર્યો છે.
આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તા પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ધરણાં અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
