ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં વિદેશી દારૂના વેપલા સામે ભરૂચ એલસીબીએ કાર્યવાહી કરી અજય વિનોદ વસાવાને ઝડપી પાડ્યો છે. સોનતલાવડી વિસ્તારના અજય વસાવા વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી તેની પાસેથી રૂ.2,400ની કિંમતના વિદેશી દારૂના 16 ક્વાર્ટર કબજે કર્યા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જોકે, આ કાર્યવાહીમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અજય વસાવા કોઈ મોટા બુટલેગર માટે કામ કરતો હતો કે પોતાની રીતે જ દારૂનું વેચાણ કરતો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તેવા સવાલોના જવાબ હજુ સામે આવ્યા નથી.
ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા નામનો બુટલેગર મોટા પાયે વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા છે. આ ધંધામાં તેના પરિવારના અન્ય સભ્યો પણ સંકળાયેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે અજય વસાવાએ બબુલ પાટણવાડિયાના વિસ્તારમાં અલગથી દારૂનો વેપલો શરૂ કર્યો છે કે પછી તે તેની સાથે જોડાઈને કામ કરતો હતો તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
જો અજય વસાવા બબુલ પાટણવાડિયા માટે દારૂનું વેચાણ કરતો હોય તો તપાસમાં આ કડી બહાર આવી છે કે કેમ અને મોટા બુટલેગરો સુધી પોલીસ તપાસ પહોંચી છે કે કેમ તેવા સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ, જો બંને વચ્ચે દારૂના ધંધાને લઈને હરીફાઈ હોય તો વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થવાની આશંકા પણ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.
મોટા અને જટિલ ગુનાઓમાં આરોપીઓ સુધી પહોંચતી એલસીબીની ટીમ દારૂના આવા કિસ્સામાં સપ્લાય ચેઇન અને સંભવિત સાગરીતો સુધી તપાસ કેમ પહોંચાડતી નથી તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. હવે પોલીસની આગળની તપાસમાં દારૂના જથ્થાના મૂળ સ્ત્રોત અને અન્ય સંભવિત સંડોવણી અંગે શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.
