ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2026 દરમિયાન યોજાનારી GSOSની SSC-HSC પરીક્ષાને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી તેજ બનાવી છે. જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ના કુલ 6,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ પરીક્ષામાં ધોરણ-10ના 5,288 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના 1,222 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાનું આયોજન 28 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લામાં 3 પરીક્ષા કેન્દ્રો, 4 બિલ્ડિંગ અને 43 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો CCTV સર્વેલન્સ હેઠળ રહેશે.
પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં અધિક કલેક્ટર આર.બી. ભોગાયતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, વીજળી અને શૌચાલય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ પોલીસ, આરોગ્ય, એસ.ટી. અને વીજળી વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત આસપાસની ઝેરોક્ષ દુકાનો બંધ રાખવા અને પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરાવવા કાર્યવાહી કરાશે.
પરીક્ષામાં ગેરરીતિ, નકલી પ્રશ્નપત્રો અને અફવાઓને રોકવા ખાસ તકેદારી રાખવામાં આવશે. બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવશે, જ્યારે ફરજ પરનાં વાહનો પર ‘ON EXAM DUTY’ લખવાનું રહેશે.
વિદ્યાર્થીઓની મદદ માટે કંટ્રોલ રૂમ
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી-ગેરહાજરીની માહિતી, બોર્ડ સાથે સંકલન અને પરીક્ષા કેન્દ્રોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 02642-240424 જાહેર કરાયો છે.
પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની રચના પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિ પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ, કામગીરીની સમીક્ષા અને જરૂરી સંકલન કરશે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ, પારદર્શક અને ગેરરીતિમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
