વાંકલ :: દેશના છેવાડાના અને વંચિત વર્ગ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે “જન ભાગીદારી – સબસે દૂર, સબસે પાસ” અભિયાન હેઠળ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિજાતિ અને આદિમજૂથના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.
તા. ૧૮ મેથી ૨૫ મે ૨૦૨૬ દરમિયાન સુરત જિલ્લામાં આદિમજૂથના પરિવારો માટે વિશેષ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. “સબસે દૂર, સબસે પહેલા”ના મુખ્ય મંત્ર સાથે યોજાતા આ કેમ્પોમાં ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
કેમ્પ દરમિયાન લાભાર્થીઓને આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, જનધન ખાતું, જાતિ તથા ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશનકાર્ડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, નલ સે જલ યોજના, વિધવા સહાય, દિવ્યાંગ પેન્શન સહાય અને પીએમ ઉજ્જવલા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ અપાઈ રહ્યા છે. લાભાર્થીઓને અગવડતા ન પડે તે માટે સ્થળ પર જ નોટરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ, પીએમ માતૃવંદના યોજના તેમજ સીકલ સેલ નાબૂદી અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ અને માર્ગદર્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન દ્વારા દૂરદરાજના આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકો સુધી સરકારની યોજનાઓ સરળતાથી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
