ભરૂચ :
ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા બોરભાઠાબેટના નવી ફળિયામાંથી 10 વર્ષનો બાળક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. માતા-પિતા ઘરમાં નાસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બંને બાળકો ઘરની બહાર રમવા ગયાં હતાં. જોકે, પુત્રી થોડા સમય બાદ ઘરે પરત આવી ગઈ હતી, પરંતુ પુત્ર લક્ષ્મણનો કોઈ પત્તો મળ્યો નહોતો. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં બાળક મળી ન આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના કોસેલાવ ગામના રહેવાસી અને હાલ બોરભાઠાબેટના નવી ફળિયામાં રહેતા સુરેશકુમાર દેવાસી આર.કે. સિનેમાની સામે આવેલા ગોવર્ધન ફૂડ કોર્ટમાં નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની ઉશાબેન અને બે સંતાનો સાથે રહે છે.
ગત 21 ઓક્ટોબર, 2026ના રોજ સવારે આશરે આઠ વાગ્યે સુરેશકુમાર અને તેમનાં પત્ની ઘરમાં નાસ્તાની તૈયારી કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમનો 10 વર્ષીય પુત્ર લક્ષ્મણ અને છ વર્ષની પુત્રી રીયા ઘરની બહાર રમવા ગયાં હતાં. થોડા સમય બાદ રીયા ઘરે પરત આવી ગઈ હતી. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સુરેશકુમાર ઘરની બહાર આવ્યા ત્યારે લક્ષ્મણ દેખાયો નહોતો. શરૂઆતમાં તે આસપાસ રમતો હશે તેમ માની દંપતીએ ઘરકામ ચાલુ રાખ્યું હતું.
જોકે, સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ફરી તપાસ કરતાં પણ લક્ષ્મણ ઘરે ન દેખાતાં પિતાએ બાઇક લઈને બોરભાઠાબેટ સહિત આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકની કોઈ ભાળ મળી નહોતી. અંતે પિતાએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ગુમ થયેલો લક્ષ્મણ પાતળી બાંધાનો, ઘઉંવર્ણો અને આશરે ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેની આંખો અને કાન નાના છે. ગુમ થયો ત્યારે તેણે ગ્રે કલરની ટી-શર્ટ અને બ્લુ કલરનો ચડ્ડો પહેર્યો હતો. બાળક માત્ર હિન્દી ભાષા બોલી અને સમજી શકે છે.
બાળક પોતાની મેળે ક્યાંક જતું રહ્યું છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લઈ ગયો છે, તે અંગેની આશંકા સાથે પિતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બાળકની ભાળ મેળવવા અને સમગ્ર મામલે તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
