ભરૂચ ।
ભરૂચ શહેરના એમ.જી. રોડ પર જૂનીવાડી વિસ્તારમાં આવેલા રામાપીર મંદિરે રવિવારે રામાપીર નોમ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે નેજા ચઢાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા અને રામાપીરના દર્શન કરી નેજા અર્પણ કર્યા હતા.
મંદિર સાથે સંકળાયેલા મનુભાઈ નાગજી મહારાજે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી ભાદરવા સુદ નોમના દિવસે રામાપીરનો નેજો ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા નેજા ચઢાવી રામાપીર પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી.
રામાપીર નોમ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ રામાપીરના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત આગામી ૨૨ સપ્ટેમ્બરના રોજ રામાપીરની પાલખી કાઢવામાં આવશે. પાલખી નિમિત્તે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળશે.
