ભરૂચ ।
ભરૂચ જિલ્લાના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ‘પીએમ આશા’ (PM-AASHA) પોર્ટલ પર શરૂ થયેલી આ નોંધણી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે.
ટેકાના ભાવે વિવિધ ખરીફ પાકોની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મગફળીનો રૂ. ૭,૫૧૭, મગનો રૂ. ૮,૭૮૦, અડદનો રૂ. ૮,૨૦૦, સોયાબીનનો રૂ. ૫,૭૦૮, ચણાનો રૂ. ૫,૮૭૫ અને રાયડાનો રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતો પોતાના ગામના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) મારફતે આધાર ઓથેન્ટિકેશનથી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. નોંધણી પ્રક્રિયા ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને કુલ ૩૦ દિવસ સુધી ચાલશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે કે ટેકાના ભાવે પાક વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવતા પહેલાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. નોંધણી દરમિયાન ફાર્મર રજીસ્ટ્રેશનમાં આવરી લેવાયેલા સર્વે નંબરના વિસ્તારને જ ધ્યાને લેવામાં આવશે. તેથી ખેડૂતોએ પોતાના તમામ સર્વે નંબર ફાર્મર રજીસ્ટ્રેશનમાં દર્શાવવાના રહેશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન નોંધણી કરાવી સરકારની ટેકાના ભાવની યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
