ભરૂચ :
ભરૂચ તાલુકાના દયાદરા હાઈસ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલને ગઠિયાઓએ ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે 20 દિવસ સુધી ડરાવી-ધમકાવી આશરે રૂ.6 લાખ પડાવી લીધાની ઘટના સામે આવી છે. ગઠિયાઓએ TRAIના અધિકારી તેમજ દિલ્હી પોલીસના IPS અધિકારી બની વીડિયો કોલ કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની અને ધરપકડ કરવાની ધમકી આપી હતી. અંતે ‘સંદેશ’ અખબારમાં ડિજિટલ અરેસ્ટના સમાચાર વાંચ્યા બાદ પોતાની સાથે પણ આવી જ છેતરપિંડી થઈ હોવાનું પ્રિન્સિપાલને માલૂમ પડ્યું હતું.
નબીપુરની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા અને મૂળ અસુરિયા ગામના ઈલ્યાસ યુસુફ પટેલ ગત 11 ઓગસ્ટે નબીપુરથી દયાદરા ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. પોતે નેહા અગ્રવાલ અને TRAI અધિકારી હોવાનું કહી તેમના આધારકાર્ડ સાથે જોડાયેલા સિમકાર્ડ બંધ કરવાની નોટિસ હોવાનું જણાવ્યું હતું. તેમના નામે અન્ય વ્યક્તિએ સિમકાર્ડ મેળવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હોવાનું અને દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું કહી તેમને ડરાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ વોટ્સએપ વીડિયો કોલ પર પોલીસ યુનિફોર્મમાં બેઠેલા શખ્સે પોતે IPS સુનિલકુમાર ગૌતમ હોવાનું જણાવ્યું હતું. સંદિપકુમારના રૂ.6.80 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમની બેન્ક પાસબુક અને રૂ.68 લાખના વ્યવહારનો ઉલ્લેખ કરી ધરપકડની ધમકી આપવામાં આવી હતી.
ગઠિયાઓએ તેમના બેન્ક ખાતા, જમીન-મકાન અને 10 તોલા સોના અંગે માહિતી મેળવી હતી. બાદમાં સોનું ગીરવે મૂકી ગોલ્ડ લોન લીધેલી રકમ સહિત આશરે રૂ.6 લાખ વિવિધ ખાતામાં જમા કરાવી લેવાયા હતા.
દર કલાકે ‘I AM SAFE’ મેસેજ મોકલવાની ચીમકી આપી તેમની ઉપર નજર રાખવામાં આવતી હોવાનું કહેવામાં આવ્યું હતું. ગત 31 ઓગસ્ટે ‘સંદેશ’માં રૂ.1.53 કરોડની ડિજિટલ અરેસ્ટની ઘટના વાંચતાં ઈલ્યાસભાઈને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
