ભરૂચ :
અંકલેશ્વરના પંચાતી બજાર સ્થિત ઐતિહાસિક રાધાવલ્લભજી મંદિરમાં રાધાષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૨૦૦ વર્ષ જૂની પરંપરાનું પાલન કરતાં મંદિરના ગાદીજનોએ ભરૂચી નાકા નજીક આવેલી કમાલીબાબા વાડી ખાતે જઈ પૂજ્ય મોહનલાલજી મહારાજ અને પૂજ્ય લાડલીલાલજી મહારાજની પાદુકાનું વિધિવત્ પૂજન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક વૈષ્ણવ સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાધાવલ્લભ સંપ્રદાય સાથે સંકળાયેલી આ પરંપરા આધ્યાત્મિક શ્રદ્ધા અને ગુરુ-શિષ્ય પરંપરાની જીવંત અભિવ્યક્તિ તરીકે નિભાવવામાં આવે છે. દર વર્ષે રાધાષ્ટમીના પાવન અવસરે પાદુકા પૂજન કરવામાં આવે છે.
અંકલેશ્વરનું રાધાવલ્લભજી મંદિર હરિવંશ સંપ્રદાયની પરંપરા સાથે જોડાયેલું છે. દેવબંધથી વૃંદાવન સુધી પ્રસિદ્ધ થયેલા હરિવંશ સંપ્રદાયના આદ્ય પ્રણેતા હિતહરિવંશજીના વંશજો દ્વારા મંદિરની સેવા-પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં રાધાવલ્લભ સંપ્રદાયનું આ એકમાત્ર મંદિર હોવાનું માનવામાં આવે છે, જેના કારણે મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ વિશેષ છે.
રાધાષ્ટમી નિમિત્તે વર્તમાન સેવા અધિકારી જગદીશલાલજી ગોસ્વામીની ઉપસ્થિતિમાં પંચાતી બજારથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ કમાલીબાબા વાડી ખાતે સંતોની પાદુકાનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરાના આ પ્રસંગે સ્થાનિક વૈષ્ણવ સમાજના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધાભેર સંપન્ન થયો હતો.
