Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રીજી વિસર્જનના કૃત્રિમ કુંડ સુધીનો રસ્તો બદતર, સામાજિક કાર્યકર દિનેશ અડવાણીની નગરપાલિકામાં રજૂઆત :  સાતમા દિવસ અને અનંત ચૌદશ પહેલાં રસ્તાની મરામત, લાઇટિંગ, સફાઈ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન શ્રીજી વિસર્જન માટે જેબી મોદી પાર્ક પાસે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ સુધી પહોંચવાનો રસ્તો બદતર હાલતમાં હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર દિનેશ અડવાણીએ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. શ્રીજી ભક્તો અને ગણેશ મંડળોને વિસર્જન દરમિયાન હાલાકી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગણેશોત્સવના પાંચમા દિવસથી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનનો પ્રારંભ થયો છે. ગાયત્રી મંદિર પાસે આ વર્ષે હજુ સુધી કૃત્રિમ કુંડ તૈયાર ન થતાં અનેક ભક્તો જેબી મોદી પાર્ક પાસેના કૃત્રિમ કુંડનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કુંડ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હોવાથી ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લાઇટિંગ, સફાઈ અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ

સામાજિક કાર્યકર દિનેશ અડવાણીએ રજૂઆતમાં કૃત્રિમ કુંડ તથા આસપાસના વિસ્તારમાં પૂરતી સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. રાત્રિના સમયે અપૂરતા પ્રકાશને કારણે ભક્તોને મુશ્કેલી પડતી હોવાનો ઉલ્લેખ કરી લાઇટિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, કુંડની આસપાસ ગંદકી અને દુર્ગંધ દૂર કરવા નિયમિત સફાઈ તથા દવાનો છંટકાવ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

અનંત ચૌદશ પહેલાં કામગીરી પૂર્ણ કરવાની માંગ

દિનેશ અડવાણીએ નગરપાલિકા સમક્ષ કૃત્રિમ કુંડ સુધીના રસ્તાનું તાત્કાલિક સમારકામ, પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ, સફાઈ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. ખાસ કરીને આગામી સાતમા દિવસ તથા અનંત ચૌદશના શ્રીજી વિસર્જન પહેલાં રસ્તા, લાઇટિંગ અને સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક અને સુરક્ષિત રીતે શ્રીજી વિસર્જન કરી શકે તે માટે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સામાજિક કાર્યકર દિનેશ અડવાણીએ કરી છે.


Share

Related posts

સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રીએ કર્યુ ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

વોર્ડ નં. 10 અને 11માં રોડની કામગીરીમાં બેદરકારી બહાર આવી, સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

ભરૂચનાં કોવિડ સ્મશાનમાં સ્થિતિ વિસ્ફોટક સમાન બની..!! કોરોનાની ગંભીર પરિસ્થિતિ સામે તંત્રની આંકડા છુપાવવા જેવી રમત..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!