ગરમીને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ, 108 એમ્બ્યુલન્સ સેવા પણ તૈયાર
ભરૂચ ::
ભરૂચ જિલ્લામાં તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મતદારોના આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ઉનાળાની ગરમી અને હિટવેવની અસરને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ મતદાન મથકો પર પ્રાથમિક સારવાર કીટ સાથે જરૂરી દવાઓ તેમજ ORS પેકેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દરેક ORS પેકેટ સાથે દ્રાવણ બનાવવાની સરળ રીત અંગેની સૂચનાઓ પણ જોડવામાં આવશે, જેથી ગરમીના કારણે મતદારોને કોઈ તકલીફ થાય તો તરત જ સારવાર મળી શકે. આ ઉપરાંત, આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જિલ્લાના તમામ સંબંધિત વિભાગોને હિટવેવ દરમિયાન અપનાવવાની આરોગ્ય માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. તેમજ તા. 25 અને 26 એપ્રિલે જિલ્લાનાં તમામ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો પર આરોગ્ય સેવાઓ માટે અલગ મેડિકલ ટીમોની નિમણૂક કરવામાં આવી છે.
વધુમાં, તા. 28 એપ્રિલે મત ગણતરીના દિવસે ભોલાવ ખાતે આવેલ શ્રી કે.જે. પોલિટેકનિક કોલેજમાં પણ મેડિકલ ટીમ તહેનાત રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાઓના પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને આ સમયગાળા દરમિયાન સતત સેવાઓ ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે.
આ અંગેની વિગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદીમાં આપવામાં આવી છે.
