વાંકલ :
માંગરોળ તાલુકાના વેરાકૂઈ અને વાંકલ ગામે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બંને ગામોમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વેરાકૂઈ ગામે છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ જલારામ બાપાની જન્મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વાંકલથી આશરે સાત કિલોમીટરના અંતરે આવેલા વેરાકૂઈ ખાતે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. બાપા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા.
બીજી તરફ, વાંકલ ગામે અંબાજી માતાજીના પટાંગણમાં પણ જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન્મજયંતી મહોત્સવ અંતર્ગત વેરાકૂઈ અને વાંકલ બંને સ્થળોએ ભવ્ય મહાપ્રસાદી (ભંડારા)નું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનો સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ દર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો.
