ભરૂચ :
ભરૂચ શહેરની નર્મદા ચોકડી પાસે હાઇવા ડમ્પરની અડફેટે બાઇકસવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. રોડનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ગ વન-વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે અને ગફલતભરી રીતે હાઇવા ડમ્પર હંકારી લાવવામાં આવતાં બાઇકને ટક્કર વાગી હતી. અકસ્માતમાં ડમ્પરનું ટાયર યુવકના પેટના નીચેના ભાગ પરથી ફરી વળતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચના હલદરવા ઓસારા રોડ પર મહર્ષિ વિલામાં રહેતા ગિરીશભાઈ સુકાભાઈ આહીર (ઉં.વ.35) સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ-16-CL-3495 પર પસાર થઈ રહ્યા હતા. 15 નવેમ્બરના રોજ બપોરના આશરે 12 વાગ્યાના અરસામાં નર્મદા ચોકડીથી ABC ચોકડી તરફ જતા માર્ગ પર તેઓ પહોંચ્યા હતા. આ સમયે ABC ચોકડી તરફથી નર્મદા ચોકડી તરફ આવી રહેલા હાઇવા ડમ્પર નંબર GJ-16-AY-6202ના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી હતી.
અકસ્મતમાં ડમ્પરનું ટાયર ગિરીશભાઈના પેટના નીચેના ભાગ પરથી ફરી વળતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં તેમના નાના ભાઈ કલ્પેશભાઈ આહીર અને મિત્ર ભુપેન્દ્રભાઈ ભરવાડ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ગિરીશભાઈને ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે બપોરે 12:45 કલાકે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકના નાના ભાઈ કલ્પેશભાઈ આહીરે હાઇવા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
