Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે ભરૂચ તંત્ર સજ્જ, 31મીએ એકતા રેલી યોજાશે : દૂધધારા ડેરીથી આત્મીય હોલ સુધી નીકળશે જિલ્લા કક્ષાની રેલી; જિલ્લામાં ગામેગામ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટર ડૉ. નવ નાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Share

 

ભરૂચ :

Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં એકતા રેલી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર ડૉ. નવ નાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. આ કાર્યક્રમનું દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર હોવાથી ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની એકતા રેલી દૂધધારા ડેરીથી આત્મીય હોલ સુધી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના અસરકારક અમલીકરણ, સંચાલન અને દેખરેખ માટે જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ તાલુકાના મામલતદારો અને પ્રાંત અધિકારીઓ સાથે ચર્ચા કરીને તાલુકા તથા ગામેગામ યોજાનારા કાર્યક્રમોની પૂર્વતૈયારીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ નિહાળી શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

એકતા રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પીવાનું પાણી, ફૂડ પેકેટ, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના સન્માન અને લોકોની સહભાગિતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએથી અંદાજે 4,000 લોકો એકતાનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં સહભાગી થવાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સફળતાપૂર્વક થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમીક્ષા બેઠકમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીઓ, નોડલ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં વિવિધ સમિતિનાં ચેરમેનની વરણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

સરનાર ગામના શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી આપો, કલેક્ટરને રજૂઆત :  સાયખા-વિલાયત GIDCથી માત્ર એક કિમી દૂર હોવા છતાં સ્થાનિકોને રોજગારી નહીં મળતી હોવાનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!