ભરૂચ, બુધવાર: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે વહીવટી તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 17 જૂન, 2026ના રોજ વહેલી સવારે અંદાજે 1:00 કલાકે બાતમીના આધારે તંત્રની ટીમે હરીનગર ગામની સીમમાં આવેલા સરકારી સર્વે નંબર-10 વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કોઈપણ પ્રકારની મંજૂરી વિના સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
વહીવટી તંત્રની ટીમ અચાનક સ્થળ પર પહોંચતા જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન માટી ખોદવા માટે ઉપયોગમાં લેવાતા 2 મોટા ફોકલેન્ડ મશીનો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગેરકાયદેસર રીતે માટી ભરેલી 2 ટ્રકો પણ સ્થળ પરથી ઝડપી લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન માટી ભરાવાની રાહ જોઈ રહેલી અન્ય 2 ખાલી ટ્રકો પણ તંત્રએ કબ્જે કરી હતી. જોકે દરોડા દરમિયાન 2 ટ્રકો અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહી હતી. ફરાર થયેલા વાહનોને શોધવા માટે તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ફોકલેન્ડ મશીનો અને ટ્રકો સહિત કુલ અંદાજે ₹1.50 કરોડનો મુદ્દામાલ કાયદેસરની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી કે પાસ-પરમિટ વિના મોટા પાયે માટી ખનન કરીને સરકારી રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી હતી.
હાલ તંત્રએ સ્થળ પરના તમામ મશીનો અને વાહનો સીઝ કરી દીધા છે. ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસની મદદથી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
વહીવટી તંત્રની આ સરપ્રાઇઝ કાર્યવાહીએ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સરકારી જમીનો પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
